બનાસકાંઠા: કેરાલાના પશુપાલન મંત્રી શ્રીમતી જે. ચીંચુરાનીએ પાલનપુર ખાતે બનાસ ડેરીની મુલાકાતે
પાલનપુર: કેરાલા રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી જે. ચીંચુરાનીએ પાલનપુર ખાતે બનાસ ડેરી અને જિલ્લામાં આવેલા બાદરપુરા અને દામા ખાતે ડેરીના વિવિધ પ્લાન્ટસની મુલાકાત લઈ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, સૂકા રણ વિસ્તારમાં બનાસ ડેરી ખુબ સરસ કામ કરી રહી છે જેના વિશે અમે વિચારી પણ શકતા નથી.
તેમણે પાલનપુર ખાતે બનાસ ડેરીના ચીજ અને વ્હે પ્લાન્ટની મુલાકાત લઇ બાદરપુરા ખાતે આવેલ મધ પ્લાન્ટ અને ટેક હોમરેશન પ્લાન્ટમાં આંગણવાડીના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે બનાવવામાં આવતા બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ પેકેટનું નિરીક્ષણ કરી રાજ્ય સરકારની પોષણ યોજનાની માહિતી મેળવી હતી.
બાદરપુરા તથા દામા ખાતે ડેરીના વિવિધ પ્લાન્ટની પણ મુલાકાત લીધી
કેરાલાના પશુપાલન મંત્રીએ ડીસા તાલુકાના દામા ખાતે આવેલ બાયો સીએનજી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. પશુઓના છાણમાંથી સીએનજી બનાવતા આ પ્લાન્ટની મુલાકાત લઈ તેમણે ગોબરધન પ્રોમ, સેન્દ્રીય ખાતર, ગોબરધન અમૃત અને કૃષિ સંજીવની જેવા બનાસ ઘન અને પ્રવાહી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયા અને વેચાણ વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી.
બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરતા કેરાલાના પશુપાલન મંત્રી
મંત્રીના બનાસ ડેરી ખાતે આગમન વેળાએ બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારી અને મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ તેમનું સ્વાગત કરી ડેરીના વિકાસ વિશે માહિતી આપી હતી. મંત્રીની મુલાકાત પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ડો. જે. પી. મજેઠીયા, ડેરીના ચીફ ઓપરેશન ઓફિસર કામરાજભાઈ ચૌધરી સહિત ડેરીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :પાલનપુર: ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી માટે અધધ.. 119 ફોર્મ ભરાયા