બનાસકાંઠા : નર્મદા નિગમની જામપુર અને દૈયપ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ સુધારણાના રૂ. 5.5 કરોડના ખર્ચે કરાશે
- વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોના હસ્તે કરાવ્યું ખાતમુહૂર્ત
પાલનપુર : થરાદ તાલુકામાં સિંચાઈના પાણીનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત કામ કરી રહ્યા છે. જે અંતર્ગત થરાદના રાજકોટ તેમજ રતનપુર ગામની ડિસ્ટ્રીબ્યુટી કેનાલના ખાતમુહૂર્તનો કરવામાં આવ્યા. વિધાનસભાના અધ્યક્ષએ સ્થાનિક ખેડૂતો પાસે ખાતમુહૂર્ત કરાવી કામનો શુભારંભ કરાવ્યો.
થરાદ તાલુકામાં શરૂ થયેલા નર્મદા કેનાલના કામમાં જામપુર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું કામ શરૂ થતાં રાણપુર રતનપુર પાતીયાસરા રાજકોટ અને જામપુર ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જ્યારે દૈયપ ડિસ્ટ્રીબ્યુટી કેનાલનું કામ શરૂ થતાં રતનપુર શેરાઉ રાણેસરી ભરડાસર કાસવી અને દૈયપ ગામના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહેશે.
થરાદ તાલુકાની આ બે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના કામ શરૂ થતા કુલ 7,417 હેક્ટર જમીનને સિંચાઈ માટેનો લાભ મળશે. જ્યારે કેનાલના નવીનીકરણ પાછળ 5.5 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. જેથી આ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા પણ વધશે. તેમજ જે જગ્યાએ કેનાલ ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યાં નવી કેનાલનું બાંધકામ થશે.
આજે નર્મદાની બે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના ખાતમુહૂર્ત પ્રસંગે જે ગામને કેનાલના નવીનીકરણથી લાભ મળવાનો છે તે ગામના ખેડૂતો સાથે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીધો સંવાદ કર્યો હતો. જેમાં ગામના લોકોની રજૂઆત અધ્યક્ષએ સાંભળી હતી.
આ પણ વાંચો : આબુરોડ પર ગમખ્વાર અકસ્માત, તુફાન-ટ્રેલર અથડાતા 4 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત