બનાસકાંઠા: શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદ 11 હજાર કિ.મી.ની ચારધામની યાત્રા કરશે
પાલનપુર: આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર સ્થાપિત થવા જઇ રહ્યું છે જેનું નિર્માણકાર્ય જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ હેતુસર દીપેશભાઈ પટેલ અને જય ભોલે ગ્રુપ અમદાવાદના સભ્યો દ્વારા શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન મેરુ શ્રી યંત્ર સાથે ચારધામની યાત્રાનો આજે અંબાજી ખાતેથી પ્રારંભ થનાર છે. એમની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલે ગુરુવારે વહેલી સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મેરુ શ્રી યંત્રની પૂજા અર્ચના કરી જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પાલનપુર ખાતેથી કલેક્ટર વરૂણ બરનવાલે મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
આ પ્રસંગે કલેક્ટર વરૂણ બરનવાલે જણાવ્યું કે, જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા મા અંબાનું શ્રીયંત્ર પંચ ધાતુ સોના, ચાંદી, તાંબા, પિત્તળ અને લોખંડમાંથી લગભગ 2200 કિ.લો.નું શ્રીયંત્ર બનાવવામાં આવી રહ્યું છે. આ શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદની ચારધામની યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.ચારધામ અને તિરુપતિ બાલાજી યાત્રામાં શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રી યંત્ર લઈ જવામાં આવી રહ્યું છે. એમની યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર, શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસવાસીઓ વતી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. દ્વારકા, બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ, તિરુપતિ બાલાજી તથા કોલ્હાપુર મહાલક્ષ્મી માતાની ચારધામની આ યાત્રા દરમિયાન એકાદ મહિના જેટલો સમય લાગશે અને ૧૧ હજાર કિ.મી.ની મુસાફરી થશે.
વિશ્વનું સૌથી મોટું “શ્રી યંત્ર” અંબાજીમાં સ્થાપિત થશે
આ પ્રસંગે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલે જણાવ્યું કે, વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવા અમે બે મહિનાથી મહેનત કરી રહ્યા છીએ. આ શ્રીયંત્ર બનતાં હજી બે મહિના જેટલો સમય લાગશે. આ કાર્યમાં કોઇપણ સંકટ કે વિધ્ન ન આવે તે માટે શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન 32 કિ.લો.ના મેરુ શ્રી યંત્ર સાથે અંબાજીથી ચારધામની યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેનું કલેક્ટરશ્રીએ આજે પાલનપુર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવાનો વિચાર ડોલાશ્રમ ગયા ત્યારે આવ્યો હતો.
શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન 32 કિલો ના મેરુ શ્રી યંત્ર સાથે અંબાજીથી ચારધામની યાત્રાનો પ્રારંભ
આ શ્રી યંત્ર મા અંબાના દરબારમાં સ્થાપિક કરવા માટે તાંબુ, પિત્તળ, લોખંડ, સોનું અને ચાંદીએ પંચ ધાતુમાંથી બનાવવામાં આવશે. જય ભોલે ગ્રુપના સભ્યો દ્વારા અંદાજીત એક કરોડના ખર્ચે ચાર ફૂટની લંબાઈ પહોળાઇ અને ઊંચાઈ ધરાવતું તેમજ 2200 કિ.લો. વજન ધરાવતું શ્રી યંત્ર બનવવામાં આવી રહ્યું છે. આ શ્રી યંત્ર અંબાજીમાં સ્થાપિત થતાં અંબાજી વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર ધરાવતું મંદિર બનશે. જેના નિર્માણમાં ૨૫ જેટલા કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્મા, અંબાજી મંદિરના પુજારી અને જયભોલે ગ્રુપ અમદાવાદના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :IPL 2023: પાકિસ્તાની ખેલાડીએ અર્જુન તેંડુલકરની બોલિંગ એક્શનને લઈને ઉઠાવ્યા સવાલ