બનાસકાંઠા : સંકલન સમિતિની બેઠકમાં ડીસાના બ્રિજ ઉપરની લાઈટનો પ્રશ્ન ઉછળ્યો
- બાંધકામ પરવાનગી, રસ્તાના ખાડા, ખેડૂતના વીજના પ્રશ્નો પણ ફરિયાદ સમિતિમાં ચર્ચાયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ખાતે આવેલી કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ડીસાના એલિવેટેડ ઓવરબ્રિજ પર ઉદઘાટન થયા પછી લાઈટો ચાલુ કરવામાં આવી નથી, અને સતત અંધારું રહે છે. જે અંગેનો મુદ્દો આ બેઠકમાં ઉછળ્યો હતો .તેમજ ખેડૂતોના વીજ કનેક્શનમાં લોડ વધારો, રસ્તા ના ખાડા તેમજ સ્વચ્છતા અંગેના પ્રશ્નો પણ ચર્ચાયા હતા. જેના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પદાધિકારીઓને પ્રત્યુતર પાઠવવામાં આવ્યા હતા.
પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રજાની સુવિધા અને સુખાકારી માટે સંસદ સભ્ય અને ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.
આ બેઠકમાં ડીસાના બ્રિજ પર વીજળીનો પ્રશ્ન, નગરપાલિકા દ્વારા બાંધકામ પરવાનગી આપવા અંગે, નેશનલ હાઇવેને લગતા પ્રશ્નો તથા રસ્તાઓ પરના ખાડાઓ પુરવા, રોડ સાઇડ સાફ-સફાઇ કરી સ્વચ્છતા જાળવવા, ધાનેરા- નેનાવા નેશનલ હાઇવે રિપેર કરવા, ધાનેરા તાલુકાના રૂણી ગામમાં પીવાના પાણી અંગે, સિંચાઇ તથા ખેડુતોને વીજ કનેકશનમાં લોડ વધારો આપવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ કચેરીઓ દ્વારા વર્તમાનપત્રોમાં આપવામાં આવેલ જાહેરખબરના બિલોનું સત્વરે ચુકવણી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્ય સંસદ સભ્ય દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો મહેશભાઇ પટેલ અને નથાભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર રીટાબેન પંડ્યા, નાયબ વન સંરક્ષક અભયસિંઘ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
પ્રજા માટે કંઇ કહેવાયું હોય તો ક્ષમા કરશો : DDO
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંસદ સભ્ય અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાના પ્રશ્નો રજૂ કરવા બદલ વહીવટીતંત્ર દ્વારા આભાર વ્યક્ત કરું છું ત્યારે ધારાસભ્યોએ પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન વહીવટીતંત્રના અધિકારીઓએ કરેલ લોકહિતના કામો માટે તંત્રનો આભાર માની પ્રજા માટે કંઇ કહેવાયું હોય તો ક્ષમા કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : દારુ બાદ હવે ડ્રગ્સ: અમદાવાદની એક શાળામાંથી ડ્રગ્સ અને ઈ સિગારેટ સહિત 2 લાખ રોકડા ઝડપાયા