બનાસકાંઠા : રાજકોટ અગ્નિકાંડ પછી તંત્ર એલર્ટ મોડમાં,105 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી
- પાલનપુરમાં ઓસિયા મોલ, ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ અને એક ક્લાસિસ સીલ
પાલનપુર 30 મે 2024 : રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં વહિવટી તંત્ર જાગ્યું છે, ત્યારે પાલનપુર પાલિકાએ પણ કામગીરી હાથ ધરી છે. પાલનપુર પાલિકા દ્વારા શહેરના પબ્લિક પ્લેસોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલનપુર – ડીસા હાઇવે પર આવેલા ઓસિયા મોલ, ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ અને સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં આવેલા એક ક્લાસિસમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતાં ત્રણેયને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલનપુર શહેરમાં 105 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે, નોટિસ આપ્યા બાદ પણ જો લોકો કાર્યવાહી નહીં કરે તો પાલિકા લાલ આંખ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગ હોનારત બાદ સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા તંત્ર પણ સજાગ બની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સુચનાથી ફાયર વિભાગ દ્વારા જૂદી જૂદી બે ટીમો બનાવી શહેરમાં આવેલા મોલ, બિલ્ડીંગો તેમજ હોસ્પિટલો અને શાળાઓ માં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા ઓસિયા મોલ, આબુ હાઇવે પર આવેલા સંકેત ઇન્ડિયાના બેસમેન્ટમાં આવેલા ક્લાસિસ તેમજ ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ ચોથા માળે ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા પાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત 105 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે.
આ અંગે પાલનપુર ચીફ ઓફિસર નવનીત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટના બનાવ બાદ સમગ્ર રાજ્યમાં સરકારનું માર્ગદર્શન, સુચનાઓ પરિપત્રો અને ઓડર્સ મળ્યા છે, હવે નોટિસ આપવાની પણ જરૂર નથી. જ્યાં યોગ્ય સિસ્ટમ કાર્યરત ના હોય તેની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવાની છે. પબ્લિક પ્લેસ ઉપર આવી જ એક ક્ષતિઓ જણાઈ આવી હતી, જેમાં મેજર ગણાય શકાય એવો પાલનપુરનો ઓસિયા મોલમાં સતત પબ્લિક આવતી-જતી હોય છે, 2020માં રીન્યુ થયા પછીની એનઓસી હતી, જેની સિસ્ટમ આજે પણ કાર્યરત ન હતી, ત્યાં ઓર્ગેનિક માલ જેવા કે ચોખા, તેલ જેવા માલથી ગોડાઉન ભરેલું હોવાથી આગ લાગવાનો સંભવ અને લાગ્યા પછી બુઝાવવામાં ખૂબ મોટી તકલીફ પડે જેવી પરિસ્થિતિ હતી, જેથી મોલ સીલ કરવામાં આવ્યો છે. ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ જેને અગાઉ પણ ત્રણ વાર નોટિસ આપવામાં આવી હતી, ચોથા માળે હોસ્પિટલ હતી, જે હોસ્પિટલમાં ખૂબ જ રિસ્ક હતું. જે હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે. જ્યારે સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં ક્લાસીસ ચલાવવામાં હતું, ત્યાં પણ કોઈપણ જાતની સિસ્ટમ ન હતી, એ પણ સીલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાલનપુર ડોક્ટર હાઉસમાં કેટલીક ઇમારતો એવી છે, જેમાં સિસ્ટમ દેખવા પૂરતી જ લગાવી હોવાનું ધ્યાને આવેલું છે જે પણ અમારી ટીમ પહોંચીને સીલ કરશે. ડેરી રોડ ઉપર જ્યાં સૌથી વધુ ક્લાસીસ આવેલા છે, ઓછામાં ઓછી સાતથી આઠ લાઇબ્રેરીઓ આવેલી છે. જે ચોથા માળે લાઇબ્રેરીઓ છે. જેમાં સિંગલ એન્ટ્રી છે, એક્ઝિટની કોઈ એન્ટ્રી નથી. ત્યાં પણ કોઈ મોટું ડિઝાસ્ટર થાય તો નાના બાળકો વિદ્યાર્થીઓને નુકસાન થાય આવી 95 થી 105 મિલકતોને અમારી ટીમે નોટિસ આપવા મોકલી છે, ત્રણ દિવસની નોટિસો આપી છે નોટિસ બાદ પણ જો લોકો કાર્યવાહી નહીં કરે નાછૂટકે અમારે મિલકતોનું લાઈટ કનેક્શન પાણી કનેક્શન ગટર કનેક્શન કાપવું પડશે, જરૂર પડશે તો એની મિલકતો અમે પણ સીલ કરીશું.
આ પણ વાંચો : ફાયર સેફ્ટીની તપાસમાં માત્ર નાના ધંધાર્થીઓને હેરાન કરવાનો તખ્તો ના ઘડાય તેનું ધ્યાન રાખોઃ કોંગ્રેસ