બનાસકાંઠા : રતનપુરમાં તત્કાલીન તલાટી અને પંચાયતના હોદ્દેદારોએ પ્લોટ પાડી 40 હજારમાં વેચી દીધા
- મફત ગાળાના પ્લોટ કોઈને વેચી ન શકાય, છતાં ગામમાં કેટલાક પ્લોટ મિલીભગતમાં વેચાઈ ગયા
- આક્ષેપ સાથે જિલ્લા કલેકટરમાં લેખિત રજૂઆત કરાઈ
પાલનપુર : પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં ગ્રામ પંચાયતના તત્કાલીન સત્તાધીશો અને તલાટી કમ મંત્રીએ મળીને ગામની પડતર જમીનમાં ગેરકાયદેસર પ્લોટ પાડી આ પ્લોટ તેમના મળતિયાઓને બારોબાર વેચી દેવાના મામલામાં 300 પ્લોટ રદ કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવતા માત્ર 65 પ્લોટ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરમાં આવેદનપત્ર પાઠવાયું છે. જેમાં આ પ્લોટ કૌભાંડમાં કસૂરવારો સામે ફોજદારી પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ગામમાં રાહતના પ્લોટ બારોબાર અન્ય લોકોને આપી દેવાયા હતા.
પાલનપુર નજીક અંબાજી હાઈવે પર આવેલા રતનપુર ગામમાં ગ્રામપંચાયતના તત્કાલીન શાસકોએ તલાટી સાથે મળી પડતર જમીનમાં પ્લોટ પાડી આ પ્લોટ 40-40 હજારમાં પોતાના મળતિયાને વેચી મારી ગ્રામ પંચાયતના આકારણી રજીસ્ટર પર અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરવાનું કોભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ છે.
અગાઉ પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ દ્વારા 300 પ્લોટ રદ કરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવતા ડીડીઓ દ્વારા તપાસના અંતે 65 પ્લોટ રદ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા આ મામલે જિલ્લા તેમજ મુખ્યમંત્રી કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ પ્લોટ કોભાંડમાં કસૂરવારો સામે ફોજદારી પગલા ભરવાની માંગ સાથે રતનપુર ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરની કચેરીએ અધિક નિવાસી કલેકટર રીટાબેન પંડ્યાને આવેદપત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્થાનિક અરજદારો એ જણાવ્યું કે, જો ન્યાયિક તપાસ કરવામાં આવે તો સ્થાનિક ગ્રામ પંચાયતનું મસમોટુ કૌભાંડ સામે આવી શકે એમ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર નજીક ટ્રકમાં કતલખાને લઈ જવાતા 63 પાડા બચાવાયાં