બનાસકાંઠા : પાલનપુરમાં એક ઇંચ વરસાદમાં જ હાલત કફોડી બની
પાલનપુર: બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં જ સમસ્યાઓ ઉડીને આંખે વળગતી હોય તેમ સામે આવી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો. જેમાં નવ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અમીરગઢ ખાબક્યો હતો. ત્યારે પાંચ તાલુકા કોરા ધાકોર રહ્યા હતા.જેમાં વાવ-19,થરાદ-06,ધાનેરા-03, દાંતીવાડા-05, અમીરગઢ-45,વડગામ-21,પાલનપુર-28,ડીસા-03 અને સુઇગામ-03 મીમી વરસાદ નોઁધાયો છે.
બિહારી બાગથી ન્યુ પાલનપુર વિસ્તાર સુધીનો નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ
તેમજ દાંતા,દિયોદર,ભાભર, કાંકરેજ અને લાખણી તાલુકા કોરા ધાકોર રહ્યા હતા.તેમજ પાલનપુરમાં માત્ર સામાન્ય એક ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે પર આવેલ બિહારીબાગથી ન્યુ પાલનપુર વિસ્તારના નાકા સુધી રોડ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તેમજ કેટલાક નાના વાહનો પાણીમાં ખોટવાઇ જતા તેમના મોઢામાંથી એકજ અવાજ સાંભળવા મળ્યો હતો કે, હવે તો આ સમસ્યાથી મુક્તિ અપાવો. તેમજ કેટલાક કાર ચાલકો સામે પાણી ભરેલુ જોઇ માર્ગ પરથી પાછા ફરતા જોવા મળ્યા હતા. એક એમ્બ્યુલંસ ટ્રાફીકમાં અટવાઇ ગઇ હતી. નેશનલ હાઇવે પર ભરાતા પાણીના નિકાલ માટે નાળુ મુકવામાં આવ્યુ છે.પરંતુ તે ચોકઅપ થઇ જતા પાણી નિકાલ થવાનું બંધ થઇ ગયુ હતુ અને જેથી જેસીબી લગાવી નાળુ સફાઇ કરવાની કવાયત હાથ ધરાઇ હતી.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસામાં હોટલો, નાસ્તા ગૃહો, પાર્લરોમાં 200 થી વધુ સ્થળોએ તપાસ