બનાસકાંઠા: પાલનપુરમાં ખાડામાં કોર્પોરેટરોનું બેનર લાગતા પાલિકા સફાળી જાગી !


પાલનપુર: નગરપાલિકા વિસ્તારમાં માર્ગમાં પડેલા મસમોટા ખાડાઓ પુરવામાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા હતા. જેથી સ્થાનિક પ્રજાજનોએ નવો કિમીઓ અજમાવ્યો હતો. અને શહેરમાં માર્ગો ઉપર પડેલા મોટા ખાડાઓમાં જે -તે વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટરો નું નામ લખીને બેનર લગાવ્યું હતું.
પાલિકાએ ખાડાને હાલ માટી થી પૂર્યો
આ બેનરને ખાડા વચ્ચે ઊભુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 9ના ચૂંટાયેલા કોર્પોરેટરો નીલમબેન જાની, કવિતાબેન પ્રજાપતિ, પિયુષભાઈ પટેલ અને દિલિપભાઈ પટેલના નામ લખી બેનરને રોડ વચ્ચે ખાડામાં ઉભુ કરી દીધું હતું. જેમાં લખ્યું હતું કે, આ ખાડો આપણા કોર્પોરેટરોને આભારી છે. આ બેનર લાગતા જ સમગ્ર મુદ્દો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને પાલિકાના સત્તાધીશો જાણે ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ આ માર્ગ ના ખાડાને પુરવા માટે માટી નાખી હતી.
કીમીયો કારગર નિવડયો
જોકે આ માટી હાલ પુરતી થુકના સાંધા જેવી કરી શકાય. જેનાથી સમસ્યા હલ થશે નહિ. પરંતુ અત્યારે જ્યારે ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે વરસાદનું પાણી આવતા જ આ માટી તેમા ધોવાઈ જશે. જેથી ફરી પાછી એની એ જ સમસ્યાનું નિર્માણ થશે. જેનો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકાએ કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે તેમ આ વિસ્તારના રહીશો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો : ઉર્ફીએ ફરી એકવાર લોકોને ચોંકાવી દીધા, અભિનેત્રીની ક્રિએટિવિટી જોઈને લોકોએ કહ્યું બસ આ જ બાકી હતું