બનાસકાંઠા : થરાદના નારોલી, વારા અને લોરવાડા ગામની શાળાઓમાં અધ્યક્ષ એ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ અને પરંપરા વિકસાવી છે: શંકરભાઇ ચૌધરી
બનાસકાંઠા 26 જૂન 2024 : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની – શાળા પ્રવેશોત્સવની” થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024 ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના નારોલી, વારા અને લોરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને કુમ કુમ તિલક કરી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બાળકોને ચોકલેટ અને ખજૂર આપી મોં મીઠું કરાવી સૌને શાળા પ્રવેશોત્સવની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આપણા જીવનના સંસ્કારો પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, બાળકો શાળાએ જતા ડરતા હતા. પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની નવી સંસ્કૃતિ વિકસાવી બાળકોના શાળા પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે. બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ મળે એ માટેની ચિંતા સરકારે કરી છે અને ગાંધીનગર માં બેઠા બેઠા સરકાર આપણું બાળક ભણે છે કે નહીં તેનું ધ્યાન રાખે છે. તો આપણે પણ બાળકોના અભ્યાસને અગત્યતા આપી તેના શિક્ષણની કાળજી લેવી જોઈએ એમ ઉમેર્યું હતું.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે જેના લીધે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે અને બાળકોનું 100 ટકા નામાંકન થાય છે. બાળકો માતા પિતા અને શિક્ષકોનું અનુકરણ કરતા હોય છે, એમની ટેવો અપનાવતા હોય છે, આથી વાલીઓને બાળકો માટે થોડો સમય કાઢવા અપીલ કરી હતી. તેમજ મોબાઈલનો વપરાશ ઘટાડવા અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ અમોઘ શસ્ત્ર છે, જેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ભણી ગણી આગળ વધી શકે છે. શિક્ષણને પકડી લઈએ અને વ્યશનને છોડી દઈએ તો આપણી પ્રગતિને કોઈ નહિ અટકાવી શકે નહિ. માતા પિતાને પોતાના બાળકો ભણે છે કે નહીં એની કાળજી રાખવા વિનંતી કરી હતી. કાર્યક્રમના અંતે અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે શાળાઓના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નારોલી, વારા અને લોરવાડા ગામના સરપંચો, આચાર્યઓ, શિક્ષકો, શાળા પરિવાર , સ્થાનિક ગામ આગેવાનો, આંગણવાડી કાર્યકરો, ભૂલકાંઓ અને નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : “ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની” : પ્રથમ દિવસની પ્રથમ શાળા પ્રસંગે ઉદ્યોગ મંત્રી હાજર રહ્યા, જાણો શું કહ્યું?