ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લાખણીમાં રૂ. 350 લાખના ખર્ચે નવ નિર્મિત સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાનું લોકાર્પણ

Text To Speech
  • વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે સંકુલનું લોકાર્પણ કરાયું
  • આસપાસના વિદ્યાર્થીઓની કારકિર્દીને નવી દિશા મળશે

પાલનપુર :  બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે અંદાજીત 350 લાખ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

લાખણી ખાતે આવેલ સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળાની મંજુરી વર્ષ ૨૦૧૬ થી મળેલ હતી. ત્યારથી આજ સુધી સરસ્વતી વિદ્યાલયમાં શાળા ચાલતી હતી. આજે આ શાળાનું મકાન ૩૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમમાં તૈયાર થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ શાળામાં અત્યારે ધોરણ અગિયારનો એક અને ધોરણ બારનો એક એમ કુલ બે વર્ગમાં ૬૮ વિધાર્થીઓની સંખ્યા સાથે કાયમી ભરતીવાળા બે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, લાખણી તાલુકાની આ એક જ સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળા છે જ્યાં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી. જેથી કરીને લાખણી તેમજ આજુબાજુના ગામોમાંથી હોશિયાર વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડતર માટે વિના મુલ્યે ભણી શકશે તેમજ તેમની કારકિર્દી ને નવી દિશા મળશે એવું અધ્યક્ષએ જણાવ્યું હતું. બાળકોના શિક્ષણ પર ભાર મૂકતાં અધ્યક્ષએ શિક્ષણની અપીલ સાથે સાથે વાલીઓને વ્યસન થી દુર રહેવાની પણ ખાસ ટકોર કરી હતી.

આ ઉદ્ધાટન પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. નરેન્દ્રસિંહ ચાવડા, લાખણી મામલતદાર ગોહેલ, જિલ્લા તેમજ તાલુકા ભાજપના આગેવાનો કનુભાઈ વ્યાસ, બાબરાભાઈ ચૌધરી, તેજાભાઇ રાજપૂત હેમરાજભાઈ પટેલ, બનાસ ડેરી ના સદસ્ય ધુડાભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ આજુબાજુ શાળા ના આચાર્ય ઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : જય ભોલે ગ્રુપ દ્વારા “શ્રી યંત્ર”ના પ્રાચીન દુર્લભ મંત્રોને તામ્રપત્ર પર અંકિત કરી શક્તિપીઠ અંબાજીને કરાયા અર્પણ

Back to top button