બનાસકાંઠા : ચૂંટણી ટાણે ચોખાની આડમાં ગુજરાતમાં ઘુસાડાતો રૂ. 12 લાખનો દારૂ ઝડપાયો
પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હવે નશાકારક દ્રવ્યોની હેરાફેરી પણ એકાએક વધી ગઈ છે. ચૂંટણીપૂર્વે જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેના ચેખલા ગામ પાસેથી એક ટ્રકમાં ચોખાની આડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. જેની પોલીસને બાતમી મળતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. ડી. ધોબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. બી. ભટ્ટ એ સ્ટાફ સાથે બાતમી ના આધારે ટ્રકને રોકાવી હતી. જેમાં અમીરગઢ તરફથી પાલનપુર આવી રહેલી ટ્રક નંબર 48 કે 6831 ને રોકાવી તપાસ હાથ ધરી હતી.
દારૂ, ચોખા, ટ્રક મળી કુલ રૂ. 23 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે
આ ટ્રકમાંથી પોલીસને ચોખાના 220 કટ્ટા નીચે સંતાડેલો કિંમત રૂ. 12,87,000/- નો 286 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે રાજસ્થાનના કરડાલી નાડી ગામના ટ્રક ચાલક ધર્મેન્દ્ર મોટારામ કેનારામ લેઘા (જાટ)ને ઝડપી લીધો હતો. જ્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડનાર રાજસ્થાનના ઝાલોરના નરેન્દ્ર દેવાસી વિરુદ્ધ પણ પોલીસે અમીરગઢ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ, ચોખા, મોબાઈલ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 23,87,480/- નો મુદા માલ જપ્ત કર્યો છે.
ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ કોઈપણ ચૂંટણી યોજાય ત્યારે રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉછાળો આવે છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલો હોવાથી અહીંની અમીરગઢ, ગુંદરી, ખોડા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા આ પ્રવૃત્તિ રોકવા માટે વિશેષ બંદોબસ્ત તૈનાત કરવામાં આવે છે.
આ પણ વાંચો : માફી પછી પણ વિરોધ યથાવત્, અક્ષય બાદ આ એક્ટરે રિચા ચઢ્ઢાના ટ્વિટને શરમજનક ગણાવ્યું