બનાસકાંઠા : ડીસામાં ખેડૂતોને ઓછા વોલ્ટેજથી વીજળી મળતી હોવાથી મોટરો બળી જવાનો પ્રશ્ન
- ડીસાના ખેડૂતોએ વીજળીના પ્રશ્ને વીજ કંપનીને આવેદનપત્ર આપ્યું
પાલનપુર 8 મે 2024 : ડીસા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને વીજ કંપની દ્વારા ઓછા વોલ્ટેજથી વીજળી અપાતી હોવાથી વારંવાર મોટરો બળી જવાથી ખેડૂતોને ભયંકર આર્થિક નુકસાન કરવું પડી રહ્યું છે. આ સિવાય પણ વીજ કંપનીના પ્રશ્નોને લઈને ખેડૂતોએ ડીસા કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
ડીસા તાલુકાના ખેડુતો નો લો વોલ્ટેઝ ની સમસ્યા, ડીપીઓની સમસ્યા અને વારંવાર ફીડરો ફોલ્ટમાં જવાની સમસ્યાથી ખેડુત હેરાન પરેશાન થઈ ગયો છે. ઓછા વોલ્ટેઝથી વીજળી અપાતા ખેડુતોની મોટરો બળી જાય છે.તેથી ખેડુતને ખુબજ આર્થીક નુકશાન ભોગવવાનો વારો આવેલ છે. ખેડૂતોએ વિજળીના પ્રશ્નો બાબતે વારંવાર મૌખીક અને ટેલીફોનથી વારંવાર રજુઆત કરવા છતાં વીજ કંપની દ્વારા પ્રશ્નોનો કોઈ નિકાલ કરેલ નથી. જેથી આજે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીસા પેટા વિભાગીય કચેરી ખાતે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ મોહનલાલ ભેરાજી, હીરાજી ગણેશજી, ગણેશજી ગિરધારીજી સહિત ખેડૂત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ આવેદનપત્રમાં કોઠા ભાડલી સબ સ્ટેશન માંથી નીકળતા વસંત ફીડરમાં ઓછા વોલ્ટેજ મળતા વારંવાર ફોલ્ટ થાય છે.કોઠા ભાડલીથી ચંદાજી ગોળીયા અને ચત્રાડાનો જે નવો ફીડરની લાઈન તૈયાર થયેલ છે તે યુધ્ધના ધોરણે તાત્કાલીક ચાલુ કરવી, બાઈવાડા સબ સ્ટેશનમાંથી નિકળતા કેનાલ ફીડર અને રામા ફીડર, રાણપુર સબ સ્ટેશન માંથી નીકળતા અંબાજી ફીડર અને માઝરી ફીડરોમા ફોલ્ટમાં જાય છે તે ઠીક કરવા તેમજ ડીસા તાલુકામાં લોડ વધારાની ડીપીઓ છેલ્લા કેટલાક સમયથી સમયસર મળતી નથી તે આપવા પણ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર