બનાસકાંઠા: ધાનેરા પાલિકાના શોપિંગમાં દુકાનદારોએ દુકાનો આગળ પતરાં નાખી દબાણ કર્યું
- પ્રથમ માળના દુકાનદારોની રજૂઆત નગરપાલિકા સાંભળતી નથી
પાલનપુર : ધાનેરા નગરપાલિકા દ્વારા ત્રિકોણિયા માર્કેટના દબાણો હટાવીને ત્રણ મંજલાનું શોપિંગ બનાવવામાં આવ્યું હતું અને તે શોપિંગના પ્રથમ માળના દુકાનદારો દ્વારા દુકાનો આગળ પતરાનો શેડ બનાવી દબાણ કરતાં પ્રથમ માળની દુકાનો ઢંકાઇ જતાં પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકાના ચીફ ઓફિસર દ્વારા દુકાનદારોને ધમકાવવામાં આવ્યા હતા.
ધાનેરા પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી માર્કેટ (ત્રિકોણિયા માર્કેટ) માં ભોંયતળીયાના દુકાનદારો દ્વારા પોતાની દુકાનો આગળ 10 ફુટ જેટલા પતરાના શેડ બનાવી તેમાં માલ ભરીને દબાણ કરવામાં આવ્યું છે. અને જે રસ્તો હતો તે રોકી દેવામાં આવ્યો હોવાથી પ્રથમ માળના દુકાનદારો દ્વારા મામલતદાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને તા.17 એપ્રિલના રોજ લેખીતમાં રજૂઆતો કરવામાં આવી હતી.
પરંતુ તે બાબતે પાલિકાના ચીફઓફિસર દ્વારા માત્ર નોટિસો આપીને કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીઓએ ફરી રજૂઆત કરી ત્યારે રજૂઆત કરનાર દુકાનદારોને ધમકાવી દેવામાં આવ્યા હતા. અને તેમની સામે ફરિયાદ કરવા માટે પણ નીચેની દુકાનદારોને જણાવતા મામલો તંગ બન્યો છે અને પ્રથમ માળના દુકાનદારોએ કલેકટર કચેરીમાં ચીફ ઓફિસર વિરુધ્ધમાં મૌખિક ફરિયાદ કરવામાં આવશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.વિક્રમસિંહ નામના વેપારીએ જણાવ્યું કે ચીફ ઓફિસર નીચેના દુકાનદારોને છાવરી રહ્યા છે.જ્યારે ચીફ ઓફિસર રુડાભાઈ રબારીએ જણાવ્યું કે અમને રજૂઆતો મળતા નોટિસો આપી છે અને આ શેડ બનાવવા બાબતે કોઇ મંજૂરી આપવામાં આવી નથી, તપાસ કરીને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : નર્મદાની મુખ્ય કેનાલનું આધુનિક ટેકનોલોજી દ્વારા રીપેરીંગ અને સફાઈ કામ શરૂ