બનાસકાંઠાના પ્રભારી સચિવ નહેરાએ લમ્પી સ્કિન ડીસીઝની પરિસ્થિતિની સમીક્ષા કરી
પાલનપુર: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં લમ્પી સ્કિન ડીસીઝ જોવા મળી રહ્યો છે. જેની અટકાયત માટે રાજ્ય સરકાર સતર્ક રહી પગલાં ભરી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પશુધનમાં ઉદભવેલ આ રોગ અને તેની પરિસ્થિતિની માહિતી બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નેહરાએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ પ્રભારી સચિવને વર્તમાન સ્થિતિથી વાકેફ કરીને જિલ્લા વહીવટીતંત્રએ કરેલ કામગીરી જણાવી હતી.
બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નેહરાએ બનાસકાંઠા જિલ્લાના વધુ અસરગ્રસ્ત તાલુકાઓ, તેમાં થયેલ કામગીરી, પશુઓમાં આ રોગ થતો અટકાવવા માટે રસીકરણ અને તેના માટે ઉપલબ્ધ ટીમ, પાંજરાપોળ અને ગૌશાળામાં વધુ પશુધનની સ્થિતિ વગેરે વિશે તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેઓએ જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી યોગ્ય આયોજન કરીને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.