બનાસકાંઠા: માં અંબાના ચાચર ચોકમાં યોગસાધકો યોગમાં બન્યા તલ્લીન
પાલનપુર: ‘‘21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ અંબાજીમાં નવમા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શક્તિપીઠ અંબાજીને આઈકોનીક સ્થળ તરીકે જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું.
View this post on Instagram
જે અંતર્ગત આજે માં અંબાના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ ભક્તિભાવ સાથે યોગ સાધનામાં સહભાગી થયા હતા. વહેલી પરોઢથી જ લોકો માં અંબાના ચાચર ચોકમાં ઉમટી પડ્યા હતા. અને યોગના વિવિધ આસનો સાથે માં અંબાના આશીર્વાદ સાથે તંદુરસ્તીની કામના કરતાં યોગસાધનાનો લ્હાવો લીધો હતો.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘‘યોગ વિદ્યા’’ ને વિશ્વ ફલક ઉપર લાવવા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69 મી સામાન્ય સભા સમક્ષ ‘‘21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તા. 21 જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
ભારત સરકાર તથા રાજ્ય સરકારની G-20 ની વન અર્થ વન હેલ્થની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “વસુધૈવ કુટુંમ્બકમ માટે યોગ” હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે 21 જૂન-2023 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે આઈકોનીક પ્લેસ તરીકે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્મા, પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ, સામાજિક અગ્રણીઓ, અંબાજીની શૈક્ષણિક સંસ્થાઓ સહિત શ્રદ્ધાળુઓ અને યોગસાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.