બનાસકાંઠા : થરાદ અને ધાનેરાના 200થી વધુ તળાવ ભરવા માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની મહેનત રંગ લાવી
- 61 કિ.મી મુખ્ય લાઈન અને 135 કિ.મી લાંબી પેટા લાઇન
- ત્રણ પમ્પીગ સ્ટેશન માટે રૂ. 1411 કરોડની ફાળવણી
પાલનપુર : બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ અને ધાનેરા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1411 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી થરાદ અને ધાનેરાના 200 જેટલા તળાવોને નર્મદાના નીરથી ભરવા એક ઐતિહાસિક નિર્ણય લેવાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ પંથકના ગામોને નર્મદા યોજના આધારિત સિંચાઈનું પાણી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ ધાનેરા તેમજ દાંતીવાડા પંથકના ખેડૂતોને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વારંવાર મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકાના મળી 200 જેટલા તળાવને નર્મદાના નીરથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં સિંચાઈ વિભાગ દ્વારા થરાદ અને ધાનેરા તાલુકાને જોડતી 61 કિમી લાંબી મુખ્ય પાઇપલાઇન અને 135 કિલોમીટર લાંબી પેટા લાઈન દ્વારા પાણી વહન કરવા માટે ત્રણ પંપીગ સ્ટેશન બનાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1411 કરોડ જેટલી મતદાર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેથી થરાદ અને ધાનેરાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
વિધાનસભા ના અધ્યક્ષની મહેનત રંગ લાવી
ધાનેરા અને દાંતીવાડા પંથકમાં સિંચાઈ ના પાણી માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે, ત્યારે ગુજરાત સરકાર સમક્ષ ધાનેરા ને સિચાઈ માટે પાણીની યોજના બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના થરાદ અને ધાનેરા માટે રૂ. 1411 કરોડ ની યોજના મંજુર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંને વિધાનસભા ના અધ્યક્ષ અને પાણીદાર નેતા શંકરભાઈ ચૌધરી ની મહેનત રંગ લાવી છે તેમ ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ એ જણાવ્યું હતું.
આ પણ વાંચો : અંબાજીમાં કરાઈ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ખાસ હાજરી