ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ‘ બિપરજોય ‘ વાવાઝોડાની અસર, ડીસામાં ભારે વરસાદથી 13 જેટલી કાચી ખેત તલાવડીઓમાં ભંગાણ

Text To Speech
  • પાળ તૂટી જતા લાખોનું નુકસાન
  • રીપેરીંગ માટે સહાયની માગ

પાલનપુર : ‘ બિપરજોય ‘ વાવાઝોડાના કારણે નુકસાનની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે. ડીસા તાલુકામાં અલગ અલગ જગ્યાએ 13 જેટલી ખેત તલાવડીઓમાં પાણી ભરાઈને તૂટી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


વાવાઝોડાના પગલે ડીસા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ચોમાસામાં વેસ્ટ જતા પાણીનો સંગ્રહ કરી ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવેલી 13 જેટલી ખેત તલાવડીઓ તૂટી જતા ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ખેત તલાવડી બનાવ્યા બાદ તેના પર પ્લાસ્ટિક નાખવાનું બાકી હતું. જેના કારણે કાચી ખેત તલાવડીઓમાં પાણી ભરાઈ જતા ખેત તલાવડીઓ એક પછી એક તૂટી ગઈ છે.

એક ખેત તલાવડી બનાવવા માટે ખેડૂતને અંદાજિત 10થી 15 દિવસ જેટલો સમય લાગે છે અને ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જિલ્લામાં સૌથી વધુ ડીસા તાલુકામાં ખેત તલાવડીઓ બનાવેલી છે અને ખેડૂતોએ ખેત તલાવડી બનાવ્યા બાદ સરકારી સહાયમાં મળતું પ્લાસ્ટિક નાખવાનું બાકી હતું, પરંતુ તે પહેલા જ ભારે વરસાદ ખાબકતા કાચી ખેત તલાવડીઓમાં પાણી ભરાઈ ગયું હતું. જેથી એક પછી એક ખેત તલાવડીઓ ના પાળ તૂટી જતા ખેડૂતોએ કરેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે.

આ અંગે સરપંચ શિવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જઈ રહ્યા છે. જેના કારણે ખેતીમાં સિંચાઇ અને પશુપાલન માટે પાણીની તીવ્ર સમસ્યા સર્જાઇ છે. જેથી પેછડાલ ગામ આજુબાજુમાં ખેડૂતોએ જળ અભિયાન અંતર્ગત 13 જેટલા ખેડૂતોએ ખેત તલાવડીઓ બનાવી હતી, પરંતુ ભારે વરસાદના કારણે ખેત તલાવડીઓ તૂટી ગઈ છે. ત્યારે સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને ખેત તલાવડીઓ રીપેરીંગ માટે સહાય આપે તેવી ખેડૂતોની માગ છે.

આ પણ વાંચો : સુરતમાં 1 વર્ષનો બાળક રુમમાં ફસાયો, ફાયર જવાનોએ બારીમાંથી પ્રવેશ મેળવી દિલધડક રેસ્ક્યૂ કર્યું

Back to top button