બનાસકાંઠા : ભાભરની ઢેકવાડીમાં કેનાલમાંથી ગેરકાયદેસર પાણીની ચોરી
- કેનાલમાંથી અનેક કનેક્શન જોડી ખેતરમાં પાણી લઈ જવાય છે
- કેટલાક ખેડૂતને પિયતનું પાણી પણ નથી મળી રહ્યું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં પશ્ચિમ વિસ્તારમાં નર્મદા કેનાલ આવતા આ વિસ્તારમાં પિયતનો વિસ્તાર વધ્યો છે. જો કે તેની સાથે સાથે કેટલાક ખેડૂતો ગેરકાયદેસર રીતે કેનાલના નાળા તોડી પાઇપલાઇન મારફત પોતાના ખેતરમાં પાણી ખેંચીને લઈ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે અન્ય ખેડૂતો કાંઈ કહેવા જાય તો આ માથાભારે તત્વો મારી નાખવાની ધમકીઓ પણ આપતા હોવાનો કહેવાય છે.
View this post on Instagram
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ ઢેકવાળી ગામે કેટલાક ખેડૂતો દ્વારા કેનાલના અંડરગ્રાઉન્ડ નાળા માં ઠેર ઠેર જગ્યાએ નાળાને તોડીને પાઇપલાઇન મારફત પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે પાણી લઈ જઈ રહ્યા છે. પરિણામે આ ખેતર પછીના 25 જેટલા ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેતર કરેલા પાક માટે પિયતનું પાણી મળતું નથી. જેથી ગેરકાયદેસર રીતે ખેડૂતોએ જે કનેક્શન ચલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અહીંના ખેડૂતોએ માગ કરી છે. કેનાલ દ્વારા ખેડૂતોને પાણી મળે અને ખેડૂત પોતાનો પાક તૈયાર કરી શકે તે માટે કેનાલ આશીર્વાદરૂપ છે. પરંતું કેટલાક ખેડૂતો ગેરકાયદેસર રીતે પાણી ખેંચતા ત્યાર પછીના ખેડૂતોને પિયતનું પૂરતું પાણી મળતું નથી. જેથી તેમને વાવેતર કરેલો પાક પણ હવે નિષ્ફળ જાય તેવી તેમને ભિતી સતાવી રહી છે.
પશુઓ માટે પણ પાણી નથી મળતું
આ વિસ્તારમાં ખેતર ધરાવતા બળવંતજી ઠાકોરે જણાવ્યું હતું કે, નાળામાંથી ગેરકાયદેસર રીતે પાઇપલાઇન નાખી પાણી લેવાની પ્રવૃત્તિથી અમને પાણી મળતું નથી. જેથી અમારા ઢોર – ઢાખરને પણ પાણી પીવડાવવું મુશ્કેલ બન્યું છે. અને પરિવારને પણ પાણી વગર કેમ નભાવવું એ પણ એક પ્રશ્ન છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : બદ્રી – કેદારનાથ ચારધામ યાત્રાએ છેલ્લા બે માસમાં 31 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા