ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાની આદર્શ હાઇસ્કુલ પાછળ પાલિકા દ્વારા ગેરકાયદેસર 12 દબાણો દૂર કરાયા, COએ ગાળો ભાંડી

પાલનપુર: ડીસાની આદર્શ હાઇસ્કુલ પાછળ પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે રજૂઆત કરવા ગયેલી એક મહિલા સામે ચીફ ઓફિસર દ્વારા અપશબ્દો બોલતા સ્થાનિકોમાં ભારે આક્રોશ પ્રસર્યો હતો. જ્યારે 12 જેટલા ગેરકાયદેસર મકાનોને જેસીબી વડે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં વોટ માંગવા આવતા ચુંટાયેલા સભ્યોને અહીંના રહીશો શોધી રહ્યા હતા પરંતુ કોઈ અહીં સભ્યો ડોકાયા ન હતા.

ડીસાની આદર્શ હાઇસ્કુલ પાછળ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જતા માર્ગ ઉપર ડીસા નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલીકા દ્વારા 12 જેટલા મકાનો ઉપર જેસીબી ફરી વળ્યુ હતું. આ મકાનોને તોડી પાડતાં અહિયાં રહેતા ગરીબો ઘરવિહોણા બની ગયા હતા. અહીંના તમામ મકાનો તોડી જમીનદોસ્ત કરાતાં દબાણદારોમાં ભારે આક્રોશ પ્રસર્યો હતો. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક દબાણદારો એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમને પાલિકા સહિત ચુંટાયેલા સદસ્યો સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

માથા ઉપર ચોમાસુ છે ત્યારે ગરીબોના દબાણો દૂર કરાતા નાના બાળકો સહિત ગરીબ પરિવારો ઉપર આભ અને નીચે ધરતી ઉપર રહેવા માટે મજબૂર બન્યા હોવાના સ્થાનિકો એ આક્ષેપો કર્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રજૂઆત કરવા ગયેલી એક મહિલાને પાલિકાના ચીફ ઓફિસરે અપશબ્દ બોલીને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મહિલાઓ સામે અપશબ્દો બોલતો વિડિયો વાયરલ

ડીસા પાલિકાના ચીફ ઓફિસરે મહિલાને જાહેરમાં ગાળ બોલી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા વિકાસના કામ અર્થે વિશ્વશાંતિ સોસાયટી તરફ જવા માટે નવીનરોડ બનાવવાની કામગીરી હાથ કરવાની હોઈ આજે દબાણો હટાવવામાં આવ્યા હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. પણ જ્યારે મહિલાને ગાળો બોલી હોવાની બાબતે ચીફ ઓફિસરને સવાલો કરતા ચીફ ઓફિસર ચાલુ કેમેરાએ દુર ભાગ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નાની દીકરીઓના કરુણ દ્દશ્યો સામે આવ્યા હતા.

આશિયાનો તૂટતો જોઈ નાના બાળકો રડી પડ્યા, મહિલાઓએ છાજીયા લીધા

જેમાં એક દીકરી સવારે પોતાના ઘરેથી શાળામાં અભ્યાસ માટે ગઈ હતી, જ્યારે શાળાનો સમય પૂર્ણ થતા પોતાના ઘરે પરત ફરતા નગરપાલિકા દ્વારા પોતાનો આશિયાનો (મકાન) તોડી પાડવામાં આવ્યો હોવાનું નજરે જોતાજ દીકરીએ ચોધાર આંસુએ રડી પડી હતી. જેને પોતાની વેદના રજુ કરી હતી કે, “ભણશે દીકરી – આગળ વધશે દીકરી” સરકારનું સુત્ર છે, પરંતુ પાલિકાએ આજે દબાણ દૂર કરી પોતાનું મકાન તોડી પાડ્યું છે, ત્યારે હવે હું ક્યાં ભણીશ, કેવી રીતે ભણીશ, ક્યાં રહીશ ને ક્યાં જમીશ.?

ગેરકાયદેસર 12 દબાણો-humdekhengenews

જ્યારે ડીસા પાલિકાની ચૂંટણી સમયે ઘરે ઘરે વોટ લેવા માટે ગયેલા ચુંટાયેલા સભ્યોએ ચુંટણી સમયે લોકોની પડખે રહેવા માટે વચનો આપ્યા હતા. પરંતુ આજે દબાણ હટાવાની કામગીરી દરમિયાન એકપણ ચુંટાયેલો સભ્ય અહીંના લોકોને આશ્વાસન આપવા પણ ઉપસ્થિત ન રહેતા સ્થાનિકો દ્વારા ચૂંટાયેલા સભ્યો સામે પણ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :‘The Kerala Story’ને OTT પર ડીલ નથી મળી રહી, શું તે એક કાવતરું છે કે નિર્માતાઓ માંગી રહ્યા છે વધુ પડતી કિંમત?

Back to top button