બનાસકાંઠા: “હું અવશ્ય મતદાન કરીશ” અંતર્ગત સંકલ્પ અભિયાન
- બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓ વાલીઓને મતદાન કરવા માટે લેવડાવી રહ્યા છે સંકલ્પ
પાલનપુર, 27 માર્ચ: લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ગુજરાતમાં તા. 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ (SVEEP) અને ટીપ (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મતદારોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થાય અને જિલ્લામાં વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વરૂણકુમાર બરનવાલની સુચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ૬.૫ લાખ કરતા વધુ વિધાર્થીઓ ધ્વારા વાલીઓને અચૂક મતદાન માટે “હું અવશ્ય મતદાન કરીશ” સંકલ્પ લેવડાવી સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા. TIP અંતર્ગત જિલ્લામાં 50 ટકા થી ઓછુ મતદાન ધરાવતા 52 બૂથ ઉપર અને પુરૂષ કરતાં સ્ત્રી મતદાન 10 ટકા કરતા ઓછુ હોય તેવા 565 બૂથ ઉપર ગામની મહિલાઓને SHG ગૃપની મહિલાઓ, આંગણવાડી કાર્યકરો, શિક્ષિકાઓ અને શિક્ષકો ધ્વારા મતદાન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ અંતર્ગત આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરી, બાઇકરેલી, જાહેર સ્થળો ઉપર બેનર-પોસ્ટર ધ્વારા, નગરપાલિકાની ગાર્બેજ વાનમાં ઓડિયો ધ્વારા તેમજ મોટા માર્ટ અને શોપિંગ મોલમાં આપવામાં આવતા બિલો ઉપર મતદાન અંગેના ટૂંકા સંદેશ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમોનો ઉદેશ બનાસકાંઠા જિલ્લાના મત-વિસ્તારોમાં યુવા મતદારો અને અન્ય નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો કરવાનો છે.
આ પણ વાંચો: પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા