ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના તાલેપુરા અને સમૌ મોટામાં ઘર અને તબેલાના પતરા ઉડ્યા

Text To Speech
  • ખેડૂતોને લાખોનું નુકશાન, વાવાઝોડાને લઈ લોકો ભયભીત

પાલનપુર : ડીસા તાલુકામાં બિપરજોય વાવાઝોડાના કારણે બીજા દિવસે પણ નુકસાનની પરિસ્થિતિ યથાવત જોવા મળી છે. તાલેપુરા ગામે એક ખેતરમાં તબેલાના પતરા ઉડીને વાગતા એક ભેંસ ઇજાગ્રસ્ત થઈ હતી. જ્યારે સમૌ મોટા ગામે પણ ઘરના પતરા ઉડી જતા ખેડૂતને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

ડીસા તાલુકાના તાલેપુરા ગામે આજે વહેલી સવારે વાવાઝોડાને પગલે જોરદાર પવન ફૂંકાયો હતો. ભારે વાવાઝોડાની અસરથી ખેતરમાં રહેતા કરસન પ્રજાપતિના તબેલાના શેડના પતરા હવામાં ઉડવા લાગ્યા હતા. સિમેન્ટના 25થી 30 જેટલા પતરા હવામાં ઉડીને ભેંસો પર પડતાં એક ભેંસને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા.

વાવાઝોડું રોકાયા બાદ પશુપાલક સહિત આજુબાજુના ખેડૂતોએ ટુકડા થયેલા સિમેન્ટના પતરાને સાઈડમાં ઢગલો કરી ભેંસોને તબેલામાંથી ખેતરમાં છોડી મૂકી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ભેંસને સારવાર માટેની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે પશુપાલકને અંદાજી એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે ઠેર ઠેર થઈ રહેલા નુકસાનના કારણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો ભયભીત બન્યા છે.

આ સિવાય ડીસા તાલુકાના સમૌ મોટા ગામે પણ ખેડૂત પુત્રને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. પશુપાલન અને ખેતી પર નભતા પરસોતમ જોશીના ઘરના પતરા પણ ભારે પવનમાં ઉડી ગયા હતા. જોરદાર વાવાઝોડામાં અચાનક ઘરના પતરા ઉડીને નીચે પટકાતા ટુકડે ટુકડા થઈ ગયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાથી મકાન માલિકને અંદાજિત એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ગામના રાજકીય આગેવાન મોહન જોશી અને તલાટી તેમના ઘરે પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરાવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં જર્જરિત દુકાનો બંધ રાખવા નગરપાલિકાની સૂચના

Back to top button