બનાસકાંઠા : ડીસામાં ગુજરાતની પ્રથમ ફાયર યુવતીઓનું સન્માન
- પ્રધાનમંત્રીના કેન્દ્રમાં દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જન સંપર્ક યોજાયો
- સમાજમાં શિક્ષણ વધારવા સહિયારા પ્રયાસો
પાલનપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં શાસનના દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે વિશેષ જન સંપર્ક સંવાદ તેમજ મહિલા ફાયર ફાઈટરોના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી પ્રથમ વખત ફાયર ફાઈટરનો કોર્સ કરેલી દીકરીઓનું સન્માન કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેન્દ્રમાં શાસનના દસમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. તે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ જગ્યાએ વિશેષ જન સંપર્ક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસામાં ઠાકોર સમાજ છાત્રાલય ખાતે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગુજરાતમાંથી પ્રથમ વખત ફાયર ફાઈટરનો કોર્સ કરેલી 9 યુવતીઓનું સન્માન પણ કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દીકરીઓને પણ ફાયર ફાઈટર જેવા કોર્સમાં ભાગ લઇ સક્ષમ અને મજબૂત બની પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું રક્ષણ કરતી થાય, આપત્તિના સમયમાં લોકોને કેવી રીતે બચાવી શકાય તેવી બાબતોમાં નિપુણ થાય તે માટે રક્ષા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી પણ 9 યુવતીઓએ ભાગ લઈ છ મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી. ત્યારે રાજ્યસભા સાંસદ સહિત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, જિલ્લા ભાજપ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપવાની સાથે સાથે સમાજમાં શિક્ષણ વધે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર અને ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હવે તમામ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. ત્યારે ફાયર ફાઈટર જેવા કોર્સ કરી મહિલાઓ પગભર તો બનશે જ તેની સાથે મજબૂત અને સશક્ત બની આપત્તિના સમયમાં લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે પણ તૈયાર થશે. ત્યારે ટ્રેનિંગ લઈને આવેલી પાટણ જિલ્લાની શિલ્પા ઠાકોરે જણાવ્યું હતું કે, અમે જ્યારે બરોડા ખાતે ટ્રેનિંગમાં અમને ખૂબ જ જાણવા મળ્યું. આ કોર્સ કરીને મહિલાઓ નોકરી મેળવી શકે છે ખૂબ જ આગળ વધી શકે છે. આગ લાગી હોય ત્યારે, કોઈ કૂવામાં પડી ગયું હોય ત્યારે કે અન્ય કોઈ આપત્તિના સમયમાં લોકોનો જીવ કઈ રીતે બચાવી શકાય તેમને કઈ રીતે હિંમત આપી શકાય તે આ કોર્સમાં શીખવા મળ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના ભીલડી પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપાઇ