બનાસકાંઠા: ડીસા તાલુકાના કણજરા ગામની નર્ક જેવી સ્થિતિ
પાલનપુર: ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ આજે પણ એવા ગામો છે કે જે રસ્તાની પ્રાથમિક જરૂરિયાતની સુવિધાના અભાવે લોકો જીવન જીવી રહ્યા છે. આ લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ ગામ રસ્તાની સુવિધાથી વંચિત છે.
ડીસા તાલુકાના કણઝરા ગામમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ રસ્તા પરથી દરરોજના અસંખ્ય લોકો અને વિધાર્થીઓ અવરજવર કરે છે.આ એક જ માર્ગ છે કે જે ગામને જોડી રહ્યો છે અને બાળકોને અભ્યાસ કરવા જવા માટે પણ આ એક માત્ર માર્ગ છે. પરંતુ અત્યારે આ માર્ગની હાલત એકદમ બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર આટલી મોટી સંખ્યામાં લોકોની અને વિધાર્થીઓની અવરજવર હોવાના લીધે સ્થાનિક ગ્રામજનો દ્વારા ધારાસભ્યથી માંડી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ચૂક્યા છે.
સમગ્ર ગામમાં લોકો કિચડ વાળા રસ્તા પરથી ચાલવા મજબૂર
છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગના સમારકામ માટે અલગ અલગ જગ્યા પર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી માર્ગ ના બનતા હવે લોકો પણ કંટાળી ચૂક્યા છે. અને ના છૂટકે આ બિસ્માર માર્ગ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે.. ચોમાસામાં તો પરિસ્થિતી ખૂબ જ વિકટ બની જાય છે અને આ બિસ્માર રસ્તામાં પાણી ભરાઈ જતાં અહીથી પસાર થવું અશક્ય બની જાય છે. ત્યારે કણઝરા ગામના લોકો આ રસ્તાનું તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ ગામના આગેવાન જયંતીજી ઠાકોરે જણાવ્યું હતું કે કણજરા ગામમાં આંગણવાડીથી ગંભીરપુરા સુધીનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે દર વર્ષે ચોમાસામાં કીચડ થઈ જતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે ધારાસભ્ય,સાંસદસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આ રોડ ન બનતા ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. જ્યારે વિદ્યાર્થી અરજણ ઠાકોરે જણાવ્યું હતું કે શાળાએ જવા માટેનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે શાળાએ જઈને ઘરે આવીએ ત્યાં સુધી અમારા વિદ્યાર્થીઓના કપડા પણ કિચડમાં ખરાબ થઈ જાય છે એટલે સરકાર જલ્દી રોડ બનાવે તેવી રજૂઆત છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં જજના બંગલા આગળથી પાર્કિંગ કરેલી કારની ઉઠાંતરી