ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: માઉન્ટ આબુમાં ભારે વરસાદ, દાંતીવાડા ડેમમાંથી 34 હજાર ક્યુસેક પાણી છોડાયું

Text To Speech

પાલનપુર: ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.28 જુલાઈ’ 23ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ એટલે કે ડેમ 86.62 ટકાથી વધુ ભરાયેલ છે.

ડીસા તાલુકાના 18 ગામો અને કાંકરેજના 3 ગામોને હાઇએલર્ટ જાહેર કરાયા

ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં છ દરવાજા ખોલીને 34,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યુ છે. તેની સાથે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસ, નાંદોત્રા બ્રાહ્મણ વાસ અને સિકરીયા, ડીસા તાલુકાના રાણપુર ઉગમણો વાસ, રાણપુર વચલો વાસ અને રાણપુર આથમણો વાસ, ભડથ, ચંદાજી ગોળીયા, મેડા, કોઠા, ચત્રાલા, વાસડા, લટીયા, ડાવસ, આખોલ, વડલી ફાર્મ, મહાદેવીયા, આખોલ નાની, આખોલ મોટી, માલગઢ, જુના ડીસા તથા કાંકરેજ તાલુકાના અરણીવાડા, બુકોલી, જમણાપાદર, ઉંબરી ગામને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગામના લોકોએ નદીના વહેણ વિસ્તારમાં અવર- જવર કરવી નહીં.

માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને જણાવવામાં આવ્યું છે કે, દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવો પૈકી ચાર ઓવરફ્લો,જૂઓ આ નયનરમ્ય નજારો

Back to top button