બનાસકાંઠા : ડીસા પંથકમાં બાજરીનું મબલક ઉત્પાદન, વરસાદના કારણે ઓછા ભાવે બાજરી વેચવા ખેડૂતો મજબૂર
- ટેકાના ભાવે બાજરી ખરીદવાની જાહેરાત પણ કોઈજ પ્રક્રિયા શરૂ ના થઈ
પાલનપુર : ગુજરાત સરકારે આ વખતે બાજરી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત તો કરી છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા ખરીદ પ્રક્રિયાની કોઈ જ કામગીરી શરૂ કરાઈ નથી. ત્યારે વારંવાર કમોસમી વરસાદના કારણે બાજરીનો પાક ખરાબ થાય તે પહેલા સરકાર ખરીદવાની કામગીરી શરૂ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 1.72 લાખ હેક્ટર જમીનમાં બાજરીનું વાવેતર થયું છે. જ્યારે ડીસા પંથકમાં પણ 28,700 હેક્ટર કરતા પણ વધુ જમીનમાં ખેડૂતોએ બાજરી વાવી છે. ખેડૂતોએ દિવસ – રાત મહેનત કરતા બાજરીનું સારું ઉત્પાદન પણ થયું છે, પરંતુ વારંવાર કમોસમી માવઠાના કારણે બાજરી કાળી પડી જતા ખેડૂતોને આ વર્ષે પોષણક્ષમ ભાવ મળતા નથી.
આ વર્ષે સરકારે રૂ. 530ના ટેકાના ભાવે બાજરી ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી બાજરી ખરીદવા માટેની રજીસ્ટ્રેશન સહિતની કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેથી વારંવાર માવઠા ના કારણે બાજરી ખરાબ થઈ જવાના ડરથી ખેડૂતો અત્યારે સ્થાનિક ખુલ્લા બજારમાં બાજરી વેચી રહ્યા છે. જેમાં ખેડૂતોને રૂ. 420 રૂપિયાથી 460 સુધી પ્રતિ કિલોનો ભાવ મળે છે. જેથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે બાજરી ખરીદવાની કામગીરી શરૂ કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.
આ અંગે સ્થાનિક ખેડૂત આગેવાન કનવરજી વાઘણીયા, શ્રવણજી વાધણીયા અને દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે, અત્યારે વારંવાર કમોસમી વરસાદના કારણે બાજરી ખરાબ થઈ રહી છે અને અમારી પાસે અનાજ સંગ્રહ માટેની પણ કોઈ જ વ્યવસ્થા નથી. જેથી અમારે ન છૂટકે બાજરી સ્થાનિક માર્કેટમાં વેચવી પડે છે. જ્યાં બાજરીના ભાવ ખૂબ જ ઓછા મળે છે. સરકારે બાજરી ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ જ પ્રક્રિયા શરૂ કરી નથી. ત્યારે સરકાર તાત્કાલિક બાજરી ખરીદવાનું શરૂ કરે તો અમને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે.
આ બાબતે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમરત જોશીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે બાજરીના ઉત્પાદન પર કોઈ જ અસર થઈ નથી, પરંતુ બાજરીનો દાણો કાળો પડી જતા ભાવ ઓછા મળી રહ્યા છે. સરકારે પણ ટેકાના ભાવે બાજરી ખરીદવાની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં જ બાજરી ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે ભાવમાં સુધારો આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં વેકેશન બેચના વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર અને વિદાય સમારંભ યોજાયો