બનાસકાંઠા: કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાન
- બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સુઈગામ તાલુકામાં બરફ વર્ષા
- ખેતરમાં ઉભેલા શિયાળુ પાકને ભારે નુકસાન
- વીજળી પડતાં ભાભરના મોરીખા ગામની 7 વર્ષીય બાળકી મૃત્યુ પામી
બનાસકાંઠા, 26 નવેમ્બર: ગુજરાતમાં રવિવારે વહેલી સવારથી જ ભર શિયાળે માવઠાની શરૂઆત થઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો છે. ભારે પવન અને કરા સાથે થયેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. બીજી તરફ રસ્તા પર અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હોવાથી વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત ભાભરના મોરીખા ગામમાં વિજળી પડતાં 7 વર્ષીય બાળકી મૃત્યુ પામી છે. તે ઉપરાંત એક પશુનું પણ મૃત્યુ થયું હોવાની પણ વિગતો મળી રહી છે.
ભારે પવન સાથે વરસાદ થતાં ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન
બનાસકાંઠાના ભાભર-સુઈગામ તાલુકામાં આજે વહેલી સવારે ભારે પવન અને કરા થોધમાર વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા શિયાળુ પાક એરંડામાં ભારે નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતાંની સાથે ખેડૂતોના કાચા મકાનોમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વિજળી પણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.
લગ્ન પ્રસંગમાં માવઠુ નડ્યુ
ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે એક લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જેમાં 250થી વધારે મહેમાનોએ હાજરી આપી હતી. જમણવાર ચાલુ હતો અને કરા સાથે વરસાદ ચાલુ થતા લોકો ડિસો મુકીને મંડપમાં તેમજ ઘર તરફ દોડ મુકી હતી.
છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો
રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 156 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થતાં ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તલાળામાં દોઢ ઈંચ જ્યારે વંથલી અને અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. રાજ્યના પાંચ તાલુકાઓમા દોઢ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 10 તાલુકાઓ એવા છે જેમાં એક ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
હજી કાલે પણ હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીના પવનો ભેગા થવાથી 26થી 27 નવેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જે ખાસ કરીને 26મીએ બપોર પછી અમદાવાદમાં 1 ઈંચ જેટલો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઈંચ વરસાદની સાથે કરા પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારે પવનથી મીડિયા બોક્સના કાચ તૂટ્યા, બે કરોડના નુકસાનનો અંદાજ