બનાસકાંઠા: ડીસાની છ ગાયનેક હોસ્પિટલોમાં આરોગ્ય વિભાગની ઓચિંતી તપાસ, ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીન કરાયા સીલ
પાલનપુર: ડીસા શહેરમાં આવેલી છ જેટલી ગાયનેક હોસ્પિટલોમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતિ તપાસ હાથ ધરતા ત્રણ હોસ્પિટલોમાં રજીસ્ટર નિભાવણીની અનિયમિતતા તેમજ કાયદાનો ભંગ થતો હોવાના કારણે સોનોગ્રાફી મશીન સીલ કરી દેવામાં આવ્યા હતા.
રજીસ્ટર નિભાવણીની અનિયમિતતા અને કાયદાનો ભંગ થતો હોવાનું સામે આવ્યું
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.જે.એચ. હરિયાણી તેમજ ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પી. એચ. ચૌધરી સહિત આરોગ્ય વિભાગની ટીમે આજે ડીસાની ગાયનેક હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આરોગ્યની ટીમે કુલ છ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ કરતા હોસ્પિટલોમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં અનિયમિતતા જણાઈ આવી હતી. જ્યારે ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનના નિભાવણી રજીસ્ટરમાં અનિયમિતતા તેમજ તબીબની હાજરી ન હોવા છતાં સોનોગ્રાફી મશીન ખુલ્લું રાખવા અંગે સહિત અનેક બાબતો એ કાયદાકીય જોગવાઈઓનો ભંગ થતો હોઇ કાર્યવાહી કરી માં હોસ્પિટલ, જનની હોસ્પિટલ તેમજ બાલાજી હોસ્પિટલ આ ત્રણે ત્રણ હોસ્પિટલમાં મશીનો સીલ કરવામાં આવ્યા હતા.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી જન્મદરનો રેસીયો ઓછો હોઇ ગાયનેક હોસ્પિટલોમાં ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાનું તેમજ પીસીપીએનડીટી એક્ટ નો ભંગ થતો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતી રેડ કરી હતી. જેમાં છ જેટલી હોસ્પિટલોમાં રેકોર્ડ અને રિપોર્ટની ચકાસણી કરતા દરેક હોસ્પિટલમાં અલગ – અલગ ભૂલો જણાઈ આવી હતી.તેમજ ત્રણ જગ્યાએ કાયદાનો ભંગ થતો હોય ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે.સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ રોજ કામ કર્યા બાદ કયા કાયદામાં કઈ રીતે ભંગ થયો છે તે પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ પણ વાંચો :ગુજરાતમાં ઐતિહાસિક ઘટના!! ગામના સરપંચને જ સરકારે કરી દીધા સસ્પેન્ડ; જાણો કેમ