ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સદરપુર શાળામાં યોજાયો ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ,ડીસા દ્વારા ‘ગુરુ વંદન છાત્ર અભિનંદન’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના ટ્રસ્ટી અમરતભાઈ પઢિયાર , મંત્રી નિલેશભાઈ સોની, સંયોજક રામસાભાઈ જાંગીડ તથા માજી બી.આર.સી. પ્રવિણભાઈ સાધુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોમાં ભારતીય સનાતન સંસ્કૃતિ અનુસાર અષાઢ સુદ પૂનમને વ્યાસ પૂર્ણિમા કે ગુરુપૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. જીવનમાં સંસ્કારોનું સિંચન, માતા-પિતા અને ગુરુ દ્વારા થતું હોય છે. તેમના ઋણ સ્વીકાર અંતર્ગત ગુરુજી ને વંદન કરવામાં આવે છે.

ભારત વિકાસ પરિષદ, ડીસા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું 

પ્રાચીન સમયમાં ઋષિમુનિઓના આશ્રમમાં રહી શિષ્ય જ્ઞાન મેળવતા હતા. શિષ્ય જ્ઞાન દ્વારા પોતાનું તથા સમાજ અને દેશના હિતમાં કાર્યો કરી ગુરુનું નામ ઉજજવળ કરતાં હતા.પ્રાચીન પરંપરા અનુસાર ગુરુનું સ્થાન ખૂબ ઊંચું હોય છે જે આપણા જીવનમાં અજ્ઞાન રુપી અંધકાર દૂર કરી જ્ઞાન રુપી પ્રકાશ આપે છે.બાળકોના જીવનમાં પણ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી સૌ પ્રથમ છાત્ર દ્વારા ગુરુજીનું કંકુ તિલકથી પૂજન કરી મોં મીઠું કરાવવામાં આવ્યું.છાત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે શાળાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન તથા શ્રેષ્ઠ છાત્ર અભિનંદન અંતર્ગત શાળાના ઇનોવેટિવ તથા ડીસા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષક રાહુલકુમાર કિશોરભાઈ મોદી નું પ્રશસ્તિ પત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કિશનસિંગ અજમલસિંગ સોલંકી તથા મિતાબેન વલમસિંગ સોલંકી ધોરણ આઠના છાત્રોને અભિનંદન પ્રશસ્તિ પત્ર તથા ઇનામ આપી અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી અમરતભાઈ પઢિયાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે પધારેલ મહાનુભાવોએ ગુરુ મહિમા,ભારતીય સંસ્કૃતિ તથા જીવનમાં સદગુણો વિકસે તે અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય રાજેશકુમાર સુતરિયા દ્વારા મહેમાનોનું સમસ્ત સદરપુર પ્રાથમિક શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : ઓવૈસીએ કાવડ યાત્રાને લઈ કર્યો કટાક્ષ, કહ્યું, ‘જો તમે રસ્તા પર નમાઝ પઢો છો તો FIR નોંધાય છે, પરંતુ…’

Back to top button