ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ 2023-24 નો શુભારંભ

  • આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 16 યુનિવર્સિટીના 365 પ્રતિસ્પર્ધીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો
  • જો વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકો સ્વસ્થ હશે તો વિદ્યાર્થીઓ આપમેળે સ્વસ્થ અને પ્રેરણામયી હશે : કમાન્ડન્ટ ગુરિન્દરસિંઘ

પાલનપુર 27 જાન્યુઆરી:  સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ માટે દાંતીવાડા યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમત ગમત અને સાંસ્કૃતિક મંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ સ્પોર્ટસ ટુર્નામેન્ટ 2023-24 નો મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટનો પ્રારંભ દાંતીવાડા બી.એસ.એફ.ના તેજસ્વી 123 બટાલીયનના કમાન્ડન્ટ ગુરિન્દરસિંઘ દ્વારા કરાવવામાં આવ્યો હતો.

તારીખ 27 થી 29 જાન્યુઆરી સુધી યોજાનાર ત્રિ-દિવસીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની 16 જેટલી યુનિવર્સિટીઓના 365 જેટલા સ્ટાફના પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ તેમજ પ્રથમ વખત વોલીબોલ એમ કુલ પાંચ રમતોની સ્પર્ધા થશે.

ગુજરાત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય અતિથિ કમાન્ડન્ટ ગુરિન્દરસિંઘ જણાવ્યું હતું કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે. તેથી જ જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્વ છે. રમતગમત એકબીજાથી નજીક લાવે છે. આ સ્પર્ધા નિયમિત રીતે યુનિવર્સિટીના સ્ટાફ માટે યોજાય છે એ ખૂબ જ આનંદનો વિષય છે. જો વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકો સ્વસ્થ હશે તો વિદ્યાર્થીઓ પણ સ્વસ્થ અને પ્રેરણાથી ભરેલા હશે.

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. આર.એમ.ચૌહાણએ જણાવ્યું કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને ચોથી વખત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ ટુર્નામેન્ટ આયોજિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે અમારા માટે ગૌરવની બાબત છે. તેઓ કહ્યું કે રમતના મેદાનમાં જ એવું જોવા મળે છે કે જીતવા વાળી ટીમ હારવાળી ટીમને ગળે લગાવી લે છે જે આપણને ખેલદીલી શીખવે છે. આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે જહેમત ઉઠાવનાર દાંતીવાડા યુનિવર્સિટીના તમામ સ્ટાફને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાંથી દુર સૂદૂરથી આવેલા પ્રતિસ્પર્ધીઓને આવકાર્યા હતા. ત્રણ દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટમાં વિવિધ રમતમાં વિજય થનાર અને રનર અપ થનાર વિજેતાઓને રોલિંગ ટ્રોફી આપવામાં આવશે તથા અન્ય વિજેતાઓને શીલ્ડ એનાયત કરવામાં આવશે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ ઇન્ટર યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ 2023-24 ના શુભારંભ પ્રસંગે દાંતીવાડા બી.એસ.એફ.ના સેકન્ડ ઈન કમાન્ડ એલ.બી.રામ, યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો પી.ટી.પટેલ, એસ.બી.આઇ. રિજિયોનલ મેનેજર સંજય અંબાથા, ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મંડળના પ્રમુખ ડો વી.આર.પટેલ તેમજ સહમંત્રી નીરવ રાવલ, યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ વિભાગના નિયામક ડો કે.પી.ઠાકર, યુનિવર્સિટી સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ ડો એસ.આર.વ્યાસ, વિવિધ યુનિવર્સિટીના ડાયરેક્ટર્સ – ડીન, વિભાગના વડાઓ, રમતોના કોચ તેમજ પ્રતિસ્પર્ધી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : રામ ભક્તોને રેલવેની ભેટ: દેશના ખૂણે-ખૂણેથી અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડશે, જૂઓ લિસ્ટ

Back to top button