બનાસકાંઠા : ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટઃ યાત્રાધામ અંબાજી લીલુછમ્મ- હરીયાળું બનશે
પાલનપુર: દેશ-વિદેશમાં વસતા કરોડો શ્રધ્ધાળુંઓની આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રધામ અંબાજીને વૃક્ષોથી આચ્છાદીત લીલુછમ્મ-હરીયાળું બનાવવા અને ગબ્બર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવા નજારો સર્જાય તે માટે બનાસકાંઠા વન વિભાગ દ્વારા નવતર આયોજન કરવામાં આવ્યું છે.
વન વિભાગનું નવતર આયોજન
બનાસકાંઠા નાયબ વન સંરક્ષક (નોર્મલ) પરેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે યાત્રાધામ અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જયાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા તથા જે ડુંગરાઓ ધીરે- ધીરે વનસ્પતિનું આવરણ ગુમાવી રહ્યા છે એવા વિસ્તારોના ડુંગરાઓમાં વૃક્ષોની લીલી ચાદર જળવાઇ રહે તે માટે ચાલુ વર્ષે ડ્રોન ટેકનોલોજીની મદદથી અંદાજે 100 થી 200 હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં સીડબોલ તથા સીડનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
અંબાજી ખાતે રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આગામી 5 મી જૂન-2023ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પણ 10,000 રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, બદામ, ખજુર, ખેર, કણજી, વાંસ, જામફળ, પારિજાત, સતાવરી, કેતકી વગેરે રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
અંબાજી ખાતે આવશે મુખ્યમંત્રી
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ યાત્રાધામ અંબાજીને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે અને અંબાજી ખાતે જુદા જુદા વિભાગો દ્વારા વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત બનાસકાંઠા વન વિભાગ દ્વારા અંબાજી ગબ્બર અને 51 શક્તિપીઠ આજુબાજુના વિસ્તારને હરીયાળો બનાવવા માટે ગ્રીન અંબાજી પ્લાન્ટેશન પ્રોજેકટ અંતર્ગત રોપા વાવેતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ- 2022-23 ના વન કવચ પ્લોટમાં આ વર્ષે 20,000 જેટલાં આ જમીનને માફક આવે તેવા રોપાનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વડ, પીપળ, અર્જુન સાદડ, દેશી આંબા, બહેડા, ખાટી-આંમલી, જાંબુ, ઉમરા, મહુડા, લીમડા, રાયણ, સેવન, ગુંદા, કડાયો, આમળા, બોરસલી, ગરમાળો, ગોલ્ડન તેમજ માનવેલ વાંસ, કાંઠી, બોર, અરીઠા, બીલી, ગુંદી, કદમ, આસીત્રો, કરંજ, કણજી, ખાખરો, કચનાર, કરમદા, સીતાફળ તેમજ ઔષધિય રોપાઓમાં પારિજાત, અરડુસી, કુંવરપાઠા, ત્રાબંટ, સતાવરી વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વિસ્તારની ભૂમિ અને ભેજ સંરક્ષણના પાયાના કામો કરી વહી જતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળના તળ ઉંચા લાવવામાં આ વન કવચ પાયાની ભુમિકા ભજવશે.
વર્ષ-2023-24 માટે આ વિસ્તારમાં 193.50 હેકટર વિસ્તારમાં વન કવચ વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષમાં વાવેતર લાયક વરસાદ થયા બાદ ભૌગોલિક સ્થિત અને વિસ્તારને અનુરૂપ 2,98,100 રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં કડાયો, કરંજ, અરીઠા, ખજુર, ખાખરો, કણજી, ગરમાળો, દુધી, સરગવો, ટીંમરૂ, મહુડા, ગુંદા, ગુંદી, સીંદુર જેવા રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ વિસ્તારમાં આગામી વર્ષોમાં સને: 2024-25 માં 500 હેકટર તેમજ સને: 2025-26 માં 500 હેકટર વિસ્તારમાં રોપાઓ વાવેતરની કામગીરી કરવાનું આયોજન વન વિભાગ દ્વારા કરાવામાં આવ્યું છે.
આ પણ વાંચો :200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાંથી છુટ્યા, આજે વાઘા અટારી સરહદે આવશે