બનાસકાંઠા : ડીસામાં સાળંગપુર હનુમાનજી મંદિરથી નીકળેલી ગદા રથયાત્રાનું ભવ્ય સ્વાગત
- આ યાત્રા 11 રાજ્યમાં 11,111 કિલોમીટર પરિભ્રમણ કરશે
પાલનપુર : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી નીકળેલી સનાતન જ્યોત રથયાત્રા ડીસા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હનુમાનજીની 11 ફૂટની વિશાળ ગદા સાથે નીકળેલી આ રથયાત્રા 11 રાજ્યોમાં થઈ 11,111 કિલોમીટર પરિભ્રમણ કરી લોકોને સનાતન ધર્મ અંગે જાગૃત કરશે.
આજના આધુનિક યુગમાં યુવા પેઢી ખોટા વ્યસનો, પદ, મોહમાયા અને ખોટી ગરીમાં જાળવવામાં જકડાઈ રહી છે અને પોતાના જીવનના મૂળભૂત સદગુણો જેવા કે ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, સંસ્કાર, સભ્યતા, સમાજ, સાદગી, ઈમાનદારી અને પરિવારથી લોકો વિમુખ થઈ રહ્યા છે. ત્યારે લોકોને અને ખાસ કરીને યુવા ધનને સનાતન ધર્મ અંગે જાગૃત કરવા માટે નમો સેના પરિવાર દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરથી 11 ફૂટ લાંબી વિશાળ ગદા સાથે રથયાત્રા નીકાળવામાં આવી છે.
આ સનાતન જ્યોત રથયાત્રા ડીસા ખાતે પહોંચતા તેનું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, નગર પરિષદ સહિત વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી રથયાત્રાની મહાઆરતી કરી હતી.
આ અંગે નમો સેના ટ્રસ્ટના સંજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હનુમાન જયંતીના દિવસે સાળંગપુરથી આ રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે 11 રાજ્યોમાં 11,111 કિલોમીટર પરિભ્રમણ કરશે અને યુવાનોને સનાતન ધર્મ અંગે જાગૃત કરવામાં આવશે.
વિશ્વ એક તરફ વિશ્વયુદ્ધની અણી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણો દેશ આજે મહાસત્તા ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, હિંદુત્વ અને આપણા સંસ્કારો, પરંપરાઓ તરફ વિશ્વને પ્રેરીત કરી રહ્યો છે. આજના યુવા પેઢીનો રોલ મોડલ બોલીવુડ સ્ટાર નહીં, પરંતુ સ્વામી વિવેકાનંદ, સરસ્વતીજી તથા મહાબલિ વીર શ્રી હનુમાનજી મહારાજ તથા ભારતીય સંસ્કાર હોવા જોઈએ અને તે માટે ગામે ગામ લોકો અને યુવાનો સાથે સંવાદ કરી સમજણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં પાણી માટે સંકટ તો નથી ને, જાણો ડેમની સ્થિતિ