બનાસકાંઠા : અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2024’નું ભવ્ય આયોજન
- આગામી તા.12 થી 16 ફેબ્રુઆરી યોજાશે પરિક્રમા
- આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
પાલનપુર 1 ફેબ્રુઆરી 2024 : ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવી હતી.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારિત શુક્લાએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મા અંબાના દર્શને આવનાર દરેક શ્રધ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા એમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે એ પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આ પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિન્હ રૂપ બની રહેશે. હારિત શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરૂણકુમાર બરનવાલે પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા, બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામાર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા,ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાશ્રીઓ, યજમાનશ્રીઓ તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે.
કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭ કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાંથી જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા