બનાસકાંઠા: પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ભવ્ય ઉજવણી
પાલનપુર: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે તા. 21 જૂન, 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી રાજ્યસભાના સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. તેની સાથે સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર અને તમામ 14 તાલુકાઓમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ મધ્યપ્રદેશથી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી UNO હેડકવાર્ટરમાં વિશ્વના 80 દેશોના પ્રતિનિધિઓ સાથે યોગાભ્યાસમાં જોડાનાર હોઈ તેમનો વિડીયો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાની ઉપસ્થિતિ
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાએ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, યોગ એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે. યોગ એ આપણા ઋષિ-મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. આપણી યોગ વિરાસતને વિશ્વ ફલક પર મુકવા અને લોકોના આરોગ્ય તથા સુખાકારી માટે વિશ્વ નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ‘21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો એને સમગ્ર વિશ્વએ સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા. 21 જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
View this post on Instagram
તંદુરસ્તીની જાળવણી માટે આપણી જીવનશૈલીમાં યોગને વણી લઇ નિયમિત યોગ કરીએઃ સાંસદ
સાંસદએ જણાવ્યું કે, ‘યોગ ભગાવે રોગ’ એ સૂત્રને સાર્થક કરવા માટે આજે 72 હજાર સ્થળો પર 1 કરોડથી વધુ લોકો યોગમાં જોડાઇને યોગાભ્યાસ કરશે. યોગના પ્રચાર- પ્રસાર માટે ગુજરાત સરકાર દ્વારા યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે, ગયા વર્ષે ખેલ મહાકુંભમાં રાજ્યમાં 78 હજાર લોકોએ ભાગ લીધો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 12 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. તેમણે યોગના ફાયદા ગણાવતા કહ્યું કે, તંદુરસ્તીની જાળવણી માટે આપણી જીવનશૈલીમાં યોગને વણી લઇ નિયમિત યોગ કરીએ. જેનાથી શરીરને અગણિત લાભો થશે. યોગ અને પ્રાણામયથી જૂના- હઠીલા રોગોને પણ મટાડી શકાય છે ત્યારે યોગને આપણા જીવનનો હિસ્સો બનાવી લાંબું તંદુરસ્ત અને સુખી જીવન જીવીએ.
યોગ કોચ અરવિંદભાઇ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને કોમન યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, અગ્રણી અતુલભાઇ, અશ્વિન સક્સેના, દિનેશભાઇ પટેલ, પ્રાંત અધિકારી પી.સી.દવે સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, નગરજનો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ યોગમાં જોડાયા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: હવે અંબાજીમાં ગમે ત્યાં વાહન પાર્ક કરતા સાચવજો, જાણો, ક્યાં ”નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયો