બનાસકાંઠા : ગૌશાળા- પાંજરાપોળોને સહાય ન મળતા સરકારી કચેરીઓએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન
પાલનપુર: રાજ્ય સરકારે ગૌશાળાઓ પાંજરાપોળોને રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ છ મહિના સુધી સહાય પેટે એક પણ રૂપિયો ન ચૂકવતા સંચાલકોની અનેક રજૂઆતો વિનંતીઓ બાદ પણ સરકાર ન જાગતા સંચાલકો હવે રાજ્યમાં દરેક સરકારી કચેરીઓ,જાહેર સ્થળોએ તેમજ વાહન ઉપર બેનરો લગાવી સરકારની પોલ ખુલ્લી કરશે . જેનો ડીસાથી સરકારી કચેરીઓમાં બેનર લગાવી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રૂ. 500 કરોડની સહાય જાહેર કર્યા બાદ છ મહિનાથી સરકારે આપી નથી
રાજ્યભરમાં 1700 ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં આશ્રય લઈ રહેલા 4.50 લાખ અબોલ જીવોને નિભાવવા રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે બજેટમાં રૂ. 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. એક તરફ કોરોના મહામારી બાદ ગૌશાળા પાંજરાપોળોને મળતા દાનનો પ્રવાહ સાવ ઘટી જતા પશુઓનો નિભાવણીનો ખર્ચ કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. તેવા સમયે સરકારની સહાય મળશે અને અબોલ જીવોનો રખરખાવ સારી રીતે થશે તેવી સંચાલકોને આશા હતી. પરંતુ આ આશા ઠગારી નીવડી છે. રાજ્ય સરકારે છ માસ બાદ પણ હજુ સુધી ગૌશાળા- પાંજરાપોળોને સહાય પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. આ બાબતે સંચાલકોએ અનેક વખત લડત ચલાવી રજૂઆતો કરી છે. જ્યારે મુખ્યમંત્રી સુધી રૂબરૂ મળી તેમ જ લેખિત રજૂઆત પણ કરી ચૂક્યા છે. જો કે સરકાર ના પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે ગાયોના નામે વોટ માંગીને ગાયોને મદદ કરવામાં ઠાગાઠૈયા કરતી સરકારની પોલ ખુલ્લી કરવા સંચાલકોએ બેનર યુદ્ધ છેડયું છે.
આ પણ વાંચો: મેડિકલના આ વિદ્યાર્થીઓને પણ હવે બોન્ડ નીતિ લાગુ પડશે
બનાસકાંઠામાં 2000 બેનરો લગાવાશે
રાજ્યભરમાં ગૌશાળા- પાંજરાપોળ સંચાલકો સરકારે સહાય ના આપતા હવે “ગાયોને સહાય નહીં તો વોટ નહીં” “ગાયો ના નામે વોટ માંગેલી સરકારની નિષ્ઠુરતા “જેવા લખાણ સાથેના બેનરો દરેક સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વાહનો પર લગાવી સરકારની પોલ ખોલશે. જેમાં આજે (ગુરુવારે) ડીસા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી ખાતેથી બેનરો લગાવી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગે ગૌશાળા સંચાલક જગદીશ સોલંકી અને જીવદયા પ્રેમી રોનક ઠક્કર,રમેશ જેઠવાના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યભરમાં સરકારની પોલ ખોલવા તેમજ સરકારની આંખ ઉઘાડવા સરકારી કચેરીઓ જાહેર સ્થળો અને વાહનો પર હજારો બેનરો લગાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં 2000 બેનરો લગાવવામાં આવશે.