બનાસકાંઠા: ડીસામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડ્યું:ગ્રામજનોએ પ્રેમીને પકડી ટપલી દાવ કરી માથે ટકો કરી છોડી મુક્યો


પાલનપુર: ડીસામાં પ્રેમિકાને મળવા ગયેલો એક યુવક ગામ લોકોના હાથે ઝડપાઈ જતા તેને તાલીબાની સજા કરી માફી મંગાવી છોડી મૂક્યો હોવાની ઘટના સામે આવી છે. જે યુવકને સજા કરતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નથી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ડીસામાં પ્રેમિકાને મળવા જવું એક યુવકને ખૂબ જ ભારે પડ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ બુરાલ ગામનો એક યુવક થેરવાડા ગામે પ્રેમિકાને મળવા ગયો હતો. જ્યાં ગામ લોકો જોઈ જતા યુવકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગામ લોકોએ એક કિલોમીટર સુધી તેનો પીછો કરી યુવકને ઝડપી પાડ્યો હતો. તેમજ રોષે ભરાયેલા લોકોએ તેની સાથે ટપલી દાવ કરી માથે ટકો કરી તાલીબાની સજા આપી હતી. ઝડપાયેલા યુવકને સજા કરતાનો 54 સેકન્ડનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ મામલે પોલીસ મથકે તપાસ કરતા હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધાઇ નથી. ઉલ્લેખનીય છે કે, ડીસા કે બનાસકાંઠા જિલ્લા માટે આ કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ આવી ઘટનાઓ અનેક વખત સામે આવી ચૂકી છે. કોઈને તાલીબાની સજા આપવાના વીડિયો અગાઉ પણ ઘણા વાયરલ થયા છે. ત્યારે ફરી એકવાર ડીસા પંથકમાં પ્રેમીને તાલીબાની સજા આપતાનો વીડિયો વાયરલ થતાં આ વાત ચર્ચાસ્પદ બની છે.
આ પણ વાંચો :કોલ સેન્ટરમાં કામ કરતા 7 લોકોના ટુકડા 45 બેગમાંથી મળતા હાહાકાર