બનાસકાંઠા: વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરના સંબંધીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
- વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી
- ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે
- વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે ભાજપ માટે અસ્તિત્વની જંગ
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરના સંબંધીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેમાં ભુરાજી ઠાકોર ગેનીબેનના ગઢમાં ગાબડું પાડશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. ત્યારે વાવ બેઠક કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે, જ્યારે ભાજપ માટે અસ્તિત્વની જંગ છે.
ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે
બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.
ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે
વાવ વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપમાંથી 50 જેટલા લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી 8 લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે, હાલમાં 3 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગેનીબેનના પરિવારમાંથી તેમના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો: દાના વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખી ગુજરાતમાંથી પસાર થતી પશ્ચિમ રેલવેની આ ટ્રેન રદ