બનાસકાંઠા: પાલનપુરમાં બે મકાનમાંથી રૂ. 11.87 લાખની ચોરી


પાલનપુર: ડેરીરોડ પર આવેલી નંદીગ્રામ સોસાયટીમાં રહેતા નિવૃત પ્રિન્સિપાલ તેમના પિતાની પૂણ્યતિથીએ વતનમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ મકાનમાંથી રોકડ રૂપિયા સહિત રૂપિયા 7.87 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે બીજા મકાનમાંથી રૂપિયા 4 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
નિવૃત પ્રિન્સિપાલ પિતાની પૂણ્યતિથીએ વતનમાં ગયા અને તસ્કરો ઘર સાફ કરી ગયા
પાલનપુરના ડેરીરોડ વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પ્રિન્સિપાલ અને હાલમાં સિલ્વર બેલ્સ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શિવરામભાઈ માણેકલાલ પ્રજાપતિ તેમના પિતાની પુણ્યતિથિએ વતન દાંતાના મંડાલી ગામે ભજન સત્સંગમાં ગયા હતા.
દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને સિલ્વર બેલેસ સ્કૂલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોવાથી ઘરમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 5.30 લાખ તેમજ તિજોરીમાં પડેલા ચાંદીના 10 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામના 25 નંગ સિક્કા, 100 ગ્રામ વજનની ચાંદીની બંગડીઓ પાંચ, ચાંદીનો નાનો ટુકડો 200 ગ્રામ, ચાંદીની તોડીઓ 50 ગ્રામ, મળી આશરે સવા બે કિલો ચાંદી કિંમત રૂપિયા 1.50 લાખ તેમજ સોનાની બુટ્ટી એક સોનાની વીંટી એક અડધો તોલો કિંમત રૂપિયા 35 હજાર તેમજ ભેટમાં મળેલો ચાંદીનો રથ 700 ગ્રામ કિંમત રૂપિયા 20 હજાર , બે લેડીઝ ઘડિયાળ કિંમત રૂપિયા 2 હજાર મળી કુલ કિંમત રૂપિયા 7,87,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તેમજ સોસાયટીમાં રહેતા પરાગભાઈ શ્યામલાલ ત્રિપાઠીના મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 4 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે શિવરામભાઈ પ્રજાપતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.