બનાસકાંઠા : ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં બાળકોને રાષ્ટ્રિય રમત હોકીની નિઃશુલ્ક તાલીમ
- રજાઓમાં બાળકોને શારીરિક અને માનસીક રીતે તૈયાર કરાશે
પાલનપુર : શાળાઓમાં વેકેશન શરૂ થઈ ગયા છે અને વેકેશન પડતાં જ બાળકો અન્ય ખોટા માર્ગે ન દોરાઈ જાય તે માટે ડીસામાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા બાળકોને વેકેશનનો સદુપયોગ કરવા માટે ભારતની રાષ્ટ્રીય રમતની નિ:શુલ્ક તાલીમ આપવાની શરૂઆત કરી છે.
ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બાળકો છેલ્લા વીસ વર્ષથી ગુજરાત અને દેશભરમાં યોજાતી હોકીની સ્પર્ધામાં કાઠું કાઢી રહ્યા છે. ત્યારે એકવાર ફરી આ બાળકો આગામી સમયમાં યોજાનારી હોકી સ્પર્ધાને લઈ ધોમધખતી ગરમીમાં પરસેવો પાડીને મહેનત કરી રહ્યા છે. શાળાના હોકીના કોચ રાહુલ પરમાર દ્વારા વેકેશન દરમિયાન બાળકો ખોટા માર્ગે ના દોરાય અને ભારતની રાષ્ટ્રીય રમતને સમજતાં થાય અને તેમાં નિપુણ બને તે માટે સમર કોચિંગ કેમ્પ શરૂ કર્યું છે. આ સમર કોચિંગ કેમ્પમાં અત્યારે 50 બાળકો હોકીનુ ની:શુલ્ક પ્રશિક્ષણ મેળવી રહ્યાં છે.સરદાર પટેલ હાઈસ્કૂલના મેદાનમાં હોકીનું પ્રશિક્ષણ મેળવવા આવતા આ બાળકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. દરરોજ અલ્પાહાર અને આરોગ્ય વર્ધક પીણાં પણ આપવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી બપોર સુધી આ બાળકો મેદાનમાં પરસેવો પાડીને હોકીની તાલીમ મેળવી રહ્યા છે. આ બાળકોને તૈયાર કરનાર તેમના હોકી કોચ રાહુલ પરમારે બાળકોની પ્રતિભા પર પ્રકાશ પાડવા ઉપરાંત આ નિ:શુલ્ક સમર કેમ્પના ઉમદા હેતુ વિશે જાણકારી આપી હતી.
ડીસામાં જે રીતે રાહુલ પરમાર બાળકોને ભારતની રાષ્ટ્રીય રમતની નિ:શુલ્ક તાલીમ આપી રહ્યા છે તે જ તેમનામાં રાષ્ટ્રીય રમત પ્રત્યે રહેલું જુનુન દર્શાવી રહ્યું છે. તેમની મહેનતને પગલે આ શાળાના બાળકો રાષ્ટ્રીય રમતમાં રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી શક્યા છે. ત્યારે જો ગુજરાતની દરેક શાળામાં કમ સે કમ એક શિક્ષક રાહુલભાઈ જેવો હોય તો ગુજરાતના અસંખ્ય બાળકોની પ્રતિભાને બહાર લાવી શકાય તેમ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ગરમીનો પારો 43.7 ડિગ્રી, કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ