બનાસકાંઠા : દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ‘હાથ’નો સાથ છોડ્યો, કાલે કરશે ‘કેસરિયા’
- દિશા ભટકી ગયો હતો : અનિલ માળી
- સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કરશે
- કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું પોતાનું રાજીનામું
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દિયોદર મત વિભાગમાંથી 2007માં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા અનિલભાઈ માળી હવે કોંગ્રેસનો ‘હાથ’ છોડીને ફરી ‘કેસરિયો’ કરવા જઈ રહ્યા છે. અગાઉ તેઓ ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓએ હવે ‘હાથ’ નો સાથ છોડીને કોંગ્રેસ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું છે. જ્યારે તેઓ કેસરિયા કરવાના છે. એટલે તેમની ભાજપમાં ઘરવાપસી થઈ રહી છે. આ અંગે અનિલ માળીએ ‘હમ દેખેંગે’ ન્યુઝને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું દિશા ભટકી ગયો હતો. હવે ઘરવાપસી કરી રહ્યો છું. શરૂઆતથી રાષ્ટ્રીય વિચારધારા ધરાવતી પાર્ટી ભાજપ સાથે જોડાઈને મેં કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે મને ફરીથી તેમાં જોડાઈને કામ કરવાની ઈચ્છા છે. જેથી સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું. આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દિયોદર ખાતે આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં અનિલભાઈ માળી પુન:ભાજપમાં પ્રવેશ કરીને ખેસ ધારણ કરી કેસરિયા કરશે.
આ પણ વાંચો : PM મોદીની નાની બાળકી સાથેની વાતચીતનો મામલો પંચ સુધી પહોંચ્યો, કોંગ્રેસે NCPCRમાં કરી ફરિયાદ