બનાસકાંઠા :ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો તરખાટ, આખોલ ચાર રસ્તે 7 દુકાનોને નિશાન બનાવી


- અજાણ્યા તસ્કરોની હરકત સીસીટીવીમાં કેદ
પાલનપુર : ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ગઈકાલે રેલવે સ્ટેશન ચાર રસ્તા પર બે દુકાનો માં ચોરી થયા બાદ આજે આખોલ ચાર રસ્તા પાસે પણ તસ્કરોએ સાત દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સીસીટીવી માં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસામાં તસ્કરો બેફામ બન્યા છે, અને પોલીસને રીતસર પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે બે દુકાનોમાં ચોરી કર્યા બાદ અજાણા તસ્કરોએ આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને ટાર્ગેટ બનાવી હતી. જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જય સિકોતર ટ્રેડિંગ,એસ. વી. ટુલ્સ, રાધે એગ્રો સેન્ટર અને શિવ ટ્રેડર્સ સહિત 7 જેટલી દુકાનોના શટર તોડી તસ્કરો માલ સામાનની ચોરી કરી ગયા હતા.વહેલી સવારે વેપારીઓને જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો : કરોડો રૂપિયાના બેનામી વ્યવહારોનો પર્દાફાશ : 1100 લોકો સાથે છેતરપિંડી કરનારી ટોળકી ઝબ્બે