બનાસકાંઠા: ડીસાના ભીલડીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા, 10થી વધુ દુકાનોમાંથી શંકાસ્પદ તેલ, મરચું, હળદરના લીધા સેમ્પલ

પાલનપુર: બનાસકાંઠામાં ફરી એકવાર ચોમાસાની શરૂઆત સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યું છે. આજે ડીસા તાલુકાના ભીલડી ગામે 10થી વધુ કરિયાણાની દુકાનમાં તપાસ હાથ ધરી શંકાસ્પદ ચીજ વસ્તુઓના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા તાલુકાના ભીલડી ગામમાં કરિયાણાની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જેમા 10થી વધુ કરિયાણાની દુકાનમાં તપાસ કરી હતી. ડીસા વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી લક્ષ્મીબેન ચૌધરી, પ્રિયંકાબેન ચૌધરી અને સંજય જોષી સહિતની ટીમે કરિયાણાની દુકાનમાં અલગ – અલગ તેલ, મરચું, હળદર, ચા, સહિત વગેરેની વસ્તુઓના સેમ્પલ લીધા હતા.

અત્યારે લીધેલા શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ તપાસ અર્થે સરકારી લેબમાં મોકલી આપવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે ભીલડી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ ઓચિંતી તપાસ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
આ પણ વાંચો :PM મોદી ઈજિપ્તની 2-દિવસીય મુલાકાતે, ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત












