બનાસકાંઠા : લોકસભા ચુંટણી ને પગલે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ
પાલનપુર 7 માર્ચ 2024 : ડીસા શહેરમાં ગુરુવારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ગુનેગારોમાં કાયદાનો ડર રહે તે માટે યોજાયેલી ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી.
લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે જે અંતર્ગત આજે ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ઉત્તર પોલીસ મથકના પીએસઆઇ જે. બી. ઠાકોર સહિત પોલીસ સ્ટાફ અને બીએસએફના જવાનો પણ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. જ્યારે દક્ષિણ પોલીસ મથકના પીઆઈ આર. એસ. દેસાઈની આગેવાનીમાં પણ ફ્લેગ માર્ચ યોજાઇ હતી.
શહેર ઉત્તર પોલીસ મથકેથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ સાઈબાબા મંદિર ,લેખરાજ ચાર રસ્તા,વાડી રોડ,સોની બજાર,શિવનગર વિસ્તાર, ગાયત્રી મંદિર, જલારામ મંદિર સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત પોલીસ મથકે પહોંચી હતી. જ્યારે શહેર દક્ષિણ પોલીસ મથકેથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ રિસાલા બજાર, નવાવાસ, મહારાણા પ્રતાપ હાઇસ્કુલ થઈ પરત ફરી હતી. ખાસ કરીને લોકોમાં કાયદાનો ડર રહે, ગુનેગારો ગુનાઓ કરતા અટકે અને કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં થશે ધરખમ ફેરફારો, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે