બનાસકાંઠા: ડીસા એપીએમસી માં પ્રથમ વખત દલિત મહિલાને મળ્યું સ્થાન
પાલનપુર: ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ભાજપની પેનલનો જંગી બહુમતીથી વિજય થયા બાદ ડીસા નગરપાલિકા દ્વારા પાલિકાની પેનલના એપીએમસી ડિરેક્ટર તરીકે નગરસેવિકા નયનાબેન સોલંકીનું નામ સૂચવવામાં આવ્યું છે. આમ ડીસા એપીએમસી માં પ્રથમ વખત ડિરેક્ટર તરીકે દલિત મહિલાને સ્થાન મળશે.
નગરપાલિકા દ્વારા ડિરેક્ટર તરીકે નયનાબેન સોલંકીનું નામ સૂચવાયું
ડીસા એપીએમસી ના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી મંગળવારે સમાપ્ત થઈ છે. જેમાં પ્રથમ વખત એપીએમસી માં ભાજપના મેન્ડેટ સાથેની પેનલનો ભવ્ય વિજય થયો છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય અને ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન માવજીભાઈ દેસાઈના અથાગ પ્રયત્નોથી પાલિકામાં ડીસા બજાર સમિતિમાં પૂન: ભાજપનું શાસન પ્રસ્થાપિત થયું છે. ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ડીસા નગરપાલિકામાંથી પણ એક સભ્યને મોકલવામાં આવે છે. જેમાં નવા બોર્ડમાં ડીસા નગરપાલિકામાંથી વોર્ડ નંબર 6 ના નગર સેવિકા નયનાબેન મગનભાઈ સોલંકીનું નામ ડિરેક્ટર તરીકે સૂચવાતા સર્વ સભ્યોએ સંમતિ આપી હતી. આમ ડીસા એપીએમસીના બોર્ડમાં પ્રથમ વખત દલિત મહિલા સ્થાન પામશે.
આ પણ વાંચો :ગુજરાતમાં સરકારી વીજળી વાપરતાં ગ્રાહકોનું વીજબિલ વધશે