બનાસકાંઠા : કાંકરેજમાં ખાતરની મોંકાણ, ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પૂરતું ખાતર હોવાનો તંત્રના દાવા વચ્ચે કાંકરેજ તાલુકાના ખેડૂતોએ કાંકરેજ તાલુકા સંઘમાં ખાતર આવતું ન હોવાની તંત્રને રજૂઆત કરી છે. સંઘ દ્વારા દુકાનો ભાડે આપી ખાતર વેપારીઓને ત્યાં ઉતારી અને તાલુકા સંઘમાં ઉધારવામાં આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.કાંકરેજ તાલુકાના ખેડૂતોને ખાતર ન મળતું હોવાને લઇને પરેશાન થઈ રહ્યા છે. ખેતી પાકોમાં ખાતર વગર પિયત કરવી પડતી હોવાનું ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
મામલદારને ખાતરની વ્યવસ્થા કરવા લેખિતમાં જણાવ્યું
કાંકરેજ તાલુકાના ખેડૂત ડાભી શ્રવણસિંહ કુંવરસિંહ ની આગેવાની હેઠળ દસ જેટલા ખેડુતોએ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘ સામે રોષ વ્યકત કર્યો હતો. અને કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે તપાસ કરીને તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખાતર ની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દુકાનો ભાડે આપીને ભાડા ઉઘરાવે છે. પરંતુ ખેડુતો માટે જરૂરી ખાતરની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેથી કરીને સહકારી મંડળીઓ અને સંઘ દ્વારા તાત્કાલિક ધોરણે તાલુકાના ખેડુતોને ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.