બનાસકાંઠા: ડીસાના રાજપુર ખારાકુવા વિસ્તારમાં ગંદુ પાણી આવતા રોગચાળાની ભીતિ
પાલનપુર: ડીસા શહેરના રાજપુર વિસ્તારના લોકો અત્યારે પાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહેલા પીવાના પાણીને લઈ પરેશાન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવતો પાણીનો પુરવઠો દૂષિત હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
ડીસા શહેરના રાજપુર ખારાકૂવા વિસ્તારમાં હજારો પરિવારો વસવાટ કરે છે અને આ પરિવારો અત્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીના પુરવઠાને લઈ પરેશાન છે. આ વિસ્તારમાં ડીસા નગરપાલિકા દ્વારા જે પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે તે પુરવઠો દૂષિત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પીવા માટે જે પાણી આવી રહ્યું છે તે પાણી દુર્ગંધ મારતું હોવા ઉપરાંત તેમાં મચ્છરો પણ આવી રહ્યા છે અને તેના લીધે સ્થાનિકોમાં ભયાનક રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.
નગરપાલિકા તાત્કાલિક પાણીની સમસ્યા હલ કરે તેવી લોકોની માગ
આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનું માનવું છે કે પાલિકા દ્વારા પીવાના પાણીના પુરવઠા માટે જે પાઇપલાઇન નાંખવામાં આવી છે. તે પાઇપ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોવાના લીધે તેમાં ગટરનું પાણી ભળી જતું હોવાના લીધે પાણી દૂષિત થઈ રહ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ મામલે પાઇપલાઇનના જોડાણો ચેક કરાવીને આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી લોકોની માગ છે.
આ અંગે સ્થાનિક રહીશ રાજેશભાઈ ટાંક અને આશાબેન ડબગરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમારા વિસ્તારમાં ખૂબ જ ગંદુ પાણી આવે છે. આ ગંદા પાણીથી કપડા પણ ધોઈ શકાય તેમ નથી તો પીવુ કઈ રીતે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે નગરપાલિકા તાત્કાલિક અમારી સમસ્યાનો નિકાલ લાવે તેવી રજૂઆત છે. પીવાનું પાણી એ સહુ કોઇની પ્રાથમિક જરૂરિયાત છે અને ખારાકૂવા વિસ્તાર ડીસા નગરપાલિકા પાલિકા દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે તે પણ દૂષિત હોવાના લીધે સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે. ત્યારે નગરપાલિકા તાત્કાલિક આ વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરે તે ઇચ્છનીય છે.
આ પણ વાંચો :બ્રિજભૂષણસિંહના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 180 લોકોની કરાઈ પૂછપરછ, શું કહ્યું SITએ?