બનાસકાંઠા : સરહદી વાવ તાલુકાના ચાર ગામોના ખેતરો બેટમાં ફેરવાયા
પાલનપુર:બનાસકાંઠા જિલ્લાના સરહદી એવા વાવ તાલુકામાં સતત વરસાદ પડતાં વાવ તાલુકાના ચાર ગામોની સિમમાં વરસાદી પાણી ભરાયા છે. તો કેટલાય ખેતરોમાંથી હાલ પણ વરસાદી પાણી રેલાઈ રહ્યા છે. જેને લઈ ચોમાસુ પાક નષ્ટ થઈ ગયો છે. જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. તેમજ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી ભાટવર ગામના સરપંચે માંગ કરી હતી.
વાવના માડકા,ભાચલી, ડેડાવા, ભાટવર ગામની સીમમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ આજે પણ પાણી રેલાઈ રહ્યા છે.વાવના વાવડી, મોરિખા તરફથી વરસાદી પાણી માડકા, ભાચલી, ડેડાવા સીમમાંથી ભાટવર સીમમાં પાણી આવતા રસ્તા પર પાણી વધુ વહેતુ હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે.
ભાટવર ગામના સરપંચ રાણાભાઈ ગોહિલે જણાવ્યું હતું સતત વરસાદ પડતાં ભાટવર ગામે માડકા, ભાચલી,ડેડાવા તરફથી વરસાદી પાણી આવતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ચોમાસુ પાક જેવા કે, બાજરી જુવાર, કઠોળના પાકો નષ્ટ થઈ ગયા છે. 15 ધરોના પરિવારોને અમોએ ઉંચાણવાળા ભાગોમાં ખસેડયા છે. ભાટવરના આંબેડકર નગરમાં ઘરોમાં પાણી ધુસવાની શકયતા છેમ આ પાણી હાલ પણ વહી રહ્યા છે. જે ભાટવર ગામથી કાણોઠી, કોરેટી, ભરડવા તરફ જશે.વાવના માલતદારે રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વરસાદી પાણીનો કાયમી નિકાલ આવે તેમ કરવા જણાવ્યું હતું.જોકે આજથી પાંચ વર્ષ આગાઉ વર્ષ 2017માં આવેલ પુરમાં જે રસ્તા પર વરસાદી પાણી વહ્યા હતા તેજ રસ્તા પર હાલમાં પાણી વહી રહ્યા છે.