બનાસકાંઠા: ખેડૂત આગેવાનને થપ્પડના ઘેરા પડઘા પડ્યા, ખેડૂતો દિયોદરથી ગાંધીનગર કાઢશે ન્યાય યાત્રા

બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂત આગેવાન પર થયેલા હુમલાને પગલે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ખેડૂત આગેવાનને થપ્પડના ઘેરા પડઘા પડ્યા છે. આ મામલે ખેડૂતો દિયોદરથી ગાંધીનગર સુધી ખેડૂત ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરશે, અને ગાંધીનગર પહોંચીને ધારાસભ્ય કેસાજી ચૌહાણના રાજીનામાની માંગ કરશે.
ધારાસભ્યના રાજીનામાંની માંગ સાથે ખેડૂતોકરશે પદયાત્રા
મળતી માહિતી મુજબ સાત ઓગસ્ટે દિયોદરમાં ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભુજલ યોજના અંર્તગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઈ ચૉધરીએ ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાં દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા, ત્યારે આ કાર્યક્રમ બાદ ખેડૂત આગેવાન અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે લાફા ઝીકી દીધા હતા. જેને લઈને અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના ઉપર હુમલો કર્યો હતો. અને આ મામલે તેઓએ દિયોદર પોલીસ મથકે હુમલો કરનાર વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધાઇ હતી.
ખેડૂત આગેવાનને ધારાસભ્યના સમર્થકે લાફો મારતા રોષ
આ મામલે બે દિવસ પહેલા મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવી ધારાસભ્યના રાજીનામાની માંગ કરી હતી અને જ્યાર સુધી ધારાસભ્ય કેસાજી ચૌહાણનું રાજુનામું નહિ લેવાય ત્યાર સુધી પ્રાંત કચેરીમાં જ ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : આણંદ કલેક્ટર IAS ડી.એસ ગઢવીને તાત્કાલિક કેમ સસ્પેન્ડ કરાયા ?
મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાન પાલ આંબલીયા પણ જોડાશે
મહત્વનું છે કે આ યાત્રામાં કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા,અને આપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી,સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.
જાણો ખેડૂત આગેવાન અમરાભાઇએ શું કહ્યું ?
આ અંગે અમરાભાઇએ જણાવ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો.આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે.જેથી 18 ઓગષ્ટના રોજ ગાંધીનગરમાં લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે માણ્યો આદિવાસી ભોજનનો સ્વાદ કહ્યું- “પેટ ભરાયું પણ મન ન ભરાયું”