બનાસકાંઠા: ડીસા તાલુકાના ખેડૂતોને વીજ લાઈનનું વળતર મેળવવાના ફાંફાં
- કંપનીએ વાયદો કર્યા પછી કોર્ટના હુકમ બાદ પણ વળતર ચુકવ્યું નથી
ડીસા, 27 ડિસેમ્બર: ડીસા તાલુકાના સાંડિયા, વડાવલ, છત્રાલા, વાહરા, બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઈનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ પણ બે વર્ષથી વળતરની માગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી છે.
સરકાર દ્વારા વર્ષ 2017 માં ડીસા તાલુકાના સાંડીયા, વડાવળ, સણથ, લોરવાડા બોડાલ, છત્રાલા સહિતના ગામોના ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજલાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજપોલ ઉભા કરી દીધા હતા. જે તે સમયે આ વીજ લાઈન નાખતી કંપની વાપી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને વળતર આપવાની વાત કરી હતી. જેમાં ખેડૂતોને 40% રકમ ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ, 40 ટકા રકમ ટ્રાન્સમિશન ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની 20 ટકા રકમ ટ્રાન્સમિશન લાઈનના વાયરો ખેંચ્યા બાદ આપવાની બાહેધરી આપી હતી.
વીજ લાઈન નાખ્યા બાદ વીજ લાઈન ચાલુ કરી દીધી પણ ખેડૂતોને એકપણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોને સરકારી નિયમ મુજબ જમીન કિંમત પ્રમાણે 1200 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર તેમજ ખેતીપાક, ફળ, વૃક્ષના નુકસાનનું અલગથી વળતર ચૂકવવા રજૂઆત કરતા સરકારના મહેસુલ વિભાગે તેમજ કોર્ટે પણ આદેશ કર્યો હતો. જો કે તેમ છતાં કંપનીએ આજ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવેલું નથી. જ્યારે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા જતા હાલમાં કંપનીનું નામ બદલાઈને મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી થઈ ગયું હોવાથી હવે કોઈ જવાબ આપતું નથી. જ્યારે કંપનીની ઓફિસે ખેડૂતો વારંવાર ધક્કા ખાતા અધિકારીઓ પણ મળતા નથી. આ અંગે ખેડૂતોએ સરકારમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી વળતર ન મળતા આજે ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને જલ્દી વળતરની રકમ મળે તેવી રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: ભરતી કૌભાંડ તેમજ ગેરરીતિની અનેક ફરિયાદો હોવા છતાં જેટકોના પૂર્વ MD બી.બી ચૌહાણ સામે પગલા નહીં?