ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દિયોદરપંથકમાં સુજલામ – સુફલામ કેનાલમાં પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના તાલુકાઓમાં પિયતની અપૂરતી સગવડ હોવાથી ખેડૂતોને સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે ભારતીય કિસાન સંઘે માગણી કરી છે. ચાંગા થી દાંતીવાડા જતી પાણીની પાઇપલાઇન દ્વારા આ કેનાલમાં પાણી ઠલવાય તે માટે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ચાંગા થી દાંતીવાડા પાણીની પાઇપલાઇન દ્વારા પાણી ઠલવાય તેવી માગણી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, ડીસા, લાખણી અને થરાદ તાલુકામાં ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકના વાવેતર માટે પૂરતી પિયતના પાણીની સગવડ ઉપલબ્ધ નથી. જ્યારે કેનાલમાં પાણી મળવાની અપેક્ષાએ ખેડૂતોએ બાજરી તેમજ અન્ય પાકોનું વાવેતર કરી દીધુ હતું. એવા સમયે જ ચાંગામાં આવેલા ચાંગા – દાંતીવાડા પાઇપલાઇનના પંપિંગ સ્ટેશન થી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

કિસાન સંઘ દ્વારા દિયોદર પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર

પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલ પાક મૂર્ઝાઈ જવાનું કે નિષ્ફળ જવાનો ભય વ્યક્ત કર્યો છે. જેથી ખેડૂતોને પણ મોટું નુકસાન સહન કરવું પડે તેમ છે. જેને લઈને ભારતીય કિસાન સંઘ અને આ વિસ્તારના ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ચાંગા થી દાંતીવાડા જતી પાણીની પાઇપલાઇન દ્વારા આગામી તારીખ 15 મે ’23 સુધી સુજલામ – સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી છે.

જો તેમ નહીં કરાય તો ખેડૂતો એ વાવેતર કરેલો પાક નિષ્ફળ જશે પરિણામે ખેડૂત વધુ દેવાદાર બની જશે તેવી પણ ભીતી વ્યક્ત કરી હતી. કિસાન સંઘે અગાઉ આ પાઇપલાઇન થી આજુબાજુના વિસ્તારના તળાવો ભરીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો :સંસદની કાર્યવાહીમાં ફરી હોબાળો, બંને ગૃહ બુધવાર સુધી સ્થગિત

Back to top button