બનાસકાંઠા : પ્રથમવાર એકસાથે 52 શિક્ષકોનો વિદાય સમારંભ : ડીસામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં ધિરાણ મર્યાદા 5 લાખથી વધારી 12 લાખ કરાઈ
પાલનપુર: ડીસામાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ દ્વારા સૌ પ્રથમવાર એક સાથે 52 શિક્ષકોનો વિદાય સમારંભ યોજાયો હતો. સભામાં મંડળીની ધિરાણ મર્યાદા 5 લાખથી 12 લાખ કરવાના નિર્ણયની સાથે સાથે જિલ્લામાં મૃત્યુ પામેલા 26 જેટલા સભાસદોના પરિવારોને સહાય ચૂકવાઇ હતી.
મૃત્યુ પામનાર 26 સભાસદોના પરિવારને સહાય આપી
ડીસામાં યોજાયેલી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની 63મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની ધિરાણ મર્યાદા પાંચ લાખથી વધારી 12 લાખ કરવામાં આવી છે અને આકસ્મિક ધિરાણ ત્રણ લાખ સુધી આપવાની જોગવાઈ કરી છે. તેમજ સૌપ્રથમવાર એક સાથે જિલ્લામાંથી નિવૃત્ત થતા 52 શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો હતો. મંડળી દ્વારા મૃત્યુ પામનાર સભાસદોના પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાંથી જીપીએસસીની પરીક્ષા પાસ કરી શિક્ષણ સેવા વર્ગ બે માં પસંદગી પામનાર શિક્ષકોનું સન્માન પણ કરાયુ હતું.
જ્યારે શાળામાં બાળકોના અભ્યાસની સાથે સાથે રાજ્યકક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન રમત-ગમત અને કલા ક્ષેત્ર તેમજ સમાજ સેવામાં આગવી કામગીરી કરનાર શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર અને મંડળીના ચેરમેન સંજય દવે સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો :Jamnagar : ‘ગુજરાત ગૌરવ દિન’ ઉજવણીની કેવી છે જામનગરની તૈયારીઓ, જાણો સમગ્ર કાર્યક્રમ